ટ્રિપલ તલાકને લઈને ભાજપના ધારાસભ્યે વિવાદીત નિવેદન આપ્યું છે. ઓડિશાથી ભાજપના ધારાસભ્ય વિષ્મઉ સેઠીએ કહ્યુ હતુ કે ત્રણ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર થવું પડી રહ્યું છે. વિષ્ણુ સેઠીના નિવેદનથી ભારે હંગામો થઈ રહ્યો છે.
ભાજપના ધારાસભ્ય વિષ્ણુ સેઠીએ કહ્યુ છે કે હજીપણ તેઓ પોતાના નિવેદનને વળગી રહ્યાછે. તેમણે કહ્યુ છે કે મે કંઈ ખોટું કહ્યુ નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટ્રિપલ તલાક નથી. ઘણાં રિપોર્ટ એ તરફ ઈશારો કરે છે કે ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓ વેશ્યાવૃત્તિના કીચડમાં ફસાતી જઈ રહી છે.
આ નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય નરસિંહ મિશ્રાએ ક્હ્યુ છે કે ભાજપ એક કોમવાદી પાર્ટી છે અને તેના નેતા ગૃહમાં પણ પરિસ્થિતિઓને બદનામ કરવાની કોશિશ કરે છે.
કોંગ્રેસના ધારાસભ્ય નરસિંહ મિશ્રાએ કહ્યુ છે કે ભાજપ દરેક ઠેકાણે એક કોમવાદી પાર્ટી તરીકે જાણવામાં આવે છે. જો કે આવા કોઈપણ કામને હંમેશા લોકો નકારે છે. તેઓ એક સંપ્રદાય વિશેષની વિરુદ્ધ ટીપ્પણીઓ કરતા રહે છે. આ નિવેદનોને કારણે રાજ્યમાં તણાવ વધે છે.
આ પહેલા ટ્રિપલ તલાક બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી. ટ્રિપલ તલાક પર બનેલા નવા કાયદાના કારણે મૌખિક, લેખિત અથવા કોઈ અન્ય માધ્યમથી પતિ જો એક જ વખતમાં પત્નીને ત્રણ તલાક આપે છે, તો તે અપરાધની શ્રેણીમાં આવશે. ટ્રિપલ તલાક આપવા પર પત્ની ખુદ અથવા તેના નજીકના સંબંધીઓ જ આના સંદર્ભે કેસ દાખલ કરી શકશે.