Site icon hindi.revoi.in

મોદી-મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપ સંસદીય દળ અને NDAના નેતા તરીકે નરેન્દ્રભાઈની વરણી

Social Share

એનડીએ ગઠબંધનના વરિષ્ઠ નેતા અને અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલે પીએમ નરેન્દ્ર મોદીના નામનો ગઠબંધનના નેતા તરીકે ઔપચારિક પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન, AIADMK તરફથી તમિલનાડુના મુખ્યપ્રધાન પી. પલાનીસ્વામી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કોંગકાલ સંગમાએ સમર્થન આપ્યું.

આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ પર એનડીએ અને બીજેપી સંસદીય દળમાં સર્વસંમતિથી પ્રસ્તાવ રજૂ થયા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીએ પુષ્પગુચ્છ આપી મોદીનું અભિવાદન કર્યું. મોદીએ પણ વરિષ્ઠ નેતા એનડીએના સાંસદોની હાજરીમાં ચરણસ્પર્શ કર્યા હતા. બાદમાં મુરલી મનોહર જોશીએ પણ મોદીનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે, પ્રકાશસિંહ બાદલ, રાજનાથ સિંહ, નીતિશ કુમાર, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, રામવિલાસ પાસવાન અને અન્ય એનડીએના નેતાઓએ પુષ્પગુચ્છ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

મોદીની વડાપ્રધાન તરીકે વરણી થયા પછી પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવા માટે હું તમામ સહયોગી દળો અને સાંસદોનો આભાર માનું છું.

આ પહેલા મીટિંગમાં શરૂઆતના સંબોધન પછી પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બીજેપીના સંસદીય દળ તરફથી વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો જેને રાજનાથ સિંહે સમર્થન આપ્યું અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક વરણી કરવામાં આવી.

આ મીટિંગ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાઈ છે. પાર્ટીનેતાઓના અભિવાદન પછી સંસદમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. આ મીટિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સિનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, બિહાર સીએમ નીતિશ કુમાર, એલજેપીના રામવિલાસ પાસવાન તેમજ બીજેપી-એનડીએના તમામ વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મીટિંગ પછી આજે જ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

Exit mobile version