Site icon Revoi.in

5 કલાકમાં ફરીથી ‘ચોકીદાર’ બની ગયા બીજેપી સાંસદ ઉદિત રાજ, સવારે આપી હતી પાર્ટી છોડવાની ધમકી

Social Share

દિલ્હીની ઉત્તર પશ્ચિમી સીટ પરથી ટિકિટ કપાઈ જતાં જ બીજેપી સાંસદ ઉદિત રાજે બાગી તેવર દર્શાવવા માંડ્યા, પરંતુ થોડાક જ કલાકોમાં તેમના તાર ઢીલા પડી ગયા. ટિકિટ કપાઈ જવાની આશંકાને કારણે ઉદિત રાજે સવારે લગભગ 11 વાગે ટ્વિટર પર પોતાના નામમાંથી ચોકીદાર હટાવી લીધું, પરંતુ સાંજે 4 વાગ્યા આસપાસ તેમણે ફરીથી પોતાના નામની આગળ ચોકીદાર લગાવી લીધું. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના હાઇકમાનના વલણને જોઈને તેમણે પોતાનો ઇરાદો બદલી લીધો. તેની ઝલક બપોરે તેમની પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળી.

બપોરે ઉત્તર પશ્ચિમી સીટ પરથી સૂફી સિંગર હંસરાજ હંસના નામનું એલાન થતાં જ ઉદિત રાજે પોતાના ટ્વિટર હેન્ડલમાં નામ આગળથી ચોકીદાર હટાવી લીધું હતું. તે પહેલા જ્યારે પીએમ મોદીએ ટ્વિટર ઉપર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું તો તમામ બીજેપી નેતાઓની સાથે-સાથે સમર્થકોમાં પણ નામની આગળ ચોકીદાર લગાવવાની હોડ જામી ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ઉદિત રાજને ટિકિટ મળવા અંગે શંકા હતી. બીજેપીએ દિલ્હીની 7માંથી 6 સીટ્સ પર ટિકિટનું એલાન કરી દીધું, પરંતુ છેલ્લી ઘડી સુધી ઉદિત રાજની સીટ પરનું પત્તું ખોલ્યું નહીં. પછી નોમિનેશનની સમયમર્યાદા પૂરી થવાના થોડાક કલાકો પહેલા બીજેપીએ જેવું હંસરાજ હંસના નામનું એલાન કર્યું તો ઉદિત રાજે ટ્વિટર પર પોતાનું નામ બદલી નાખ્યું. તેઓ ફરીથી ડૉક્ટર ઉદિત રાજ થઈ ગયા.

આ પહેલા સવારે જ તેમણે બીજેપીને ખુલ્લી ધમકી આપી હતી કે જો બીજેપીએ તેમને ટિકિટ ન આપી તો તેઓ પાર્ટી છોડી દેશે. સાથે જ તેઓ આજે જ નોમિનેશન ફોર્મ ભરશે. તેમણે કહ્યું કે હું કઈ પાર્ટીમાં જઈશ તેનો ખુલાસો પછી કરીશ.

ઉદિત રાજે કહ્યુ હતું કે પાર્ટી મને છોડી રહી છે. દેશભરમાં મારું સંગઠન છે, હું દલિત ચહેરો છું. અરવિંદ કેજરીવાલે મને પહેલા જ સાવચેત કરીને જણાવ્યું હતું કે બીજેપી મને ટિકિટ નહીં આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એકવાર સંસદમાં કહ્યું હતું કે તમે ખોટી પાર્ટીમાં છો.