Site icon Revoi.in

અલવર ગેંગરેપ પીડિતાની ઓળખ છતી થઈ, BJP MPએ કર્યું ફેસબુક લાઇવ તો ગેહલોતના મંત્રીએ પડાવ્યો ફોટો

Social Share

રાજસ્થાનના અલવરમાં પતિની આંખ સામે મહિલાના ગેંગરેપની ઘટના રાજનેતાઓ માટે લાઇમલાઇટમાં આવવાનો મોકો બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પીડિતા સાથે પહેલા બીજેપી સાંસદ કિરોડીલાલ મીણાએ ફેસબુક પર લાઇવ વીડિયો પોસ્ટ કર્યો, જેમાં પીડિતાએ સમગ્ર ઘટના જણાવી. પછી કોંગ્રેસ સરકારના મંત્રી મમતા ભૂપેશે પણ પીડિતા સાથે તસવીરો પોસ્ટ કરી દીધી. ટાઇમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ફોટાઓમાં રેપ પીડિતાની ઓળખ પણ છતી કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે, કોઇને પણ રેપ પીડિતાની ઓળખ (ચહેરો, લોકેશન, પરિવારજનોની જાણકારી) જણાવવાની પરવાનગી નથી.

આ દરમિયાન કોંગ્રેસે પીડિતાની ઓળખ છતી કરવાને લઇને બીજેપી સાંસદને સજા આપવાની માંગ કરી છે. કોંગ્રેસે મીણા પર પોતાના પ્રચાર માટે પીડિતાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે મીણાએ પણ અશોક ગેહલોત સરકાર પર મહિલા સુરક્ષાને લઈને હુમલો કર્યો. તેમણે કાયદા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા.

મળતી માહિતી પ્રમાણે, અલવરના થાનાગાજી વિસ્તારમાં પતિ-પત્ની બંને બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે જ કેટલાંક બદમાશોએ તેમને રોકી લીધા. ત્યારબાદ તેઓ પતિ-પત્નીને સૂમસામ જગ્યાએ લઈ ગયા અને તમામે મહિલા સાથે રેપ કર્યો. આ દરમિયાન તેના પતિને મારવામાં આવ્યો. ઘટના 26 એપ્રિલની જણાવવામાં આવી રહી છે, પરંતુ હવે તે છેક ચર્ચામાં આવી છે. બદમાશોએ મહિલાનો વીડિયો પણ બનાવ્યો અને દંપતીને ધમકી આપીને પૈસાની માંગ કરી.