Site icon Revoi.in

રાહુલ ગાંધી વિરુદ્ધ સુશીલ મોદીએ દાખલ કરી માનહાનિની અરજી, કરી બે વર્ષની સજાની માંગ

Social Share

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ પટનાની સીજેએમ કોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી છે. સુશીલ મોદીએ આ પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું, “મોદી ઉપનામના તમામ લોકોને ચોર કહેવા પર રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ.”

સુશીલ મોદીએ કોર્ટ પાસે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછી બે વર્ષની સજા સંભળાવવાની માંગ કરી છે. સાથે જ કોર્ટને આગ્રહ કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષને પટના કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવે.

લોકસભા ચૂંટણીને લઈને આરોપ-પ્રત્યારોપ ચાલુ જ છે. ચૂંટણી સંગ્રામમાં નેતાઓની જીભ તીખી થઈ ગઈ છે. સતત દરેક વાર પલટવાર કરવામાં આવી રહ્યો છે. રાફેલના મુદ્દા પર મોદી સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધી એક ડગલું હજુ આગળ વધ્યા છે. પહેલા તેઓ પોતાની રેલીઓમાં ‘ચોકીદાર ચોર છે’ના નારા લગાવડાવતા હતા. તાજેતરમાં જ તેમણે એક સભા દરમિયાન નીરવ મોદી અને લલિત મોદીના બહાને પીએમ મોદી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે મોદી અટકવાળો દરેક વ્યક્તિ ચોર છે.

પોતાની એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મર્યાદામાં રહેવાની સલાહ તો આપી છે. આ ઉપરાંત સુશીલ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના આ નિવેદનથી દેશના કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે, જેમના નામ મોદી છે.