Site icon Revoi.in

મોદી સરકારની વાપસી થતા જ સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર બનાવવાનો પ્લાન જણાવ્યો, સૂચવ્યા આ પગલાં

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે ભલે રામમંદિરના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવ્યો નથી. પરંતુ બીજી વખત બહુમતી સાથે સત્તામાં વાપસી પર રામમંદિર બનાવવાની માગણી શરૂ થઈ ચુકી છે. આ ઘટનાક્રમમાં પહેલી માગણી ભાજપની અંદરથી જ ઉઠી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને રામમંદિર નિર્માણનો પ્લાન જણાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર નિર્માણ સંદર્ભે ટ્વિટ કર્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું છે કે નમો સરકાર તરફથી રામમંદિર માટે પગલા. 1. સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી લઈને રામજન્મભૂમિ ન્યાસની જમીન પાછી આપવાની મંજૂરી માંગે. 2. રામજન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે 67.07 એકર જમીન સોંપવામાં આવે. 3. સુપ્રીમ કોર્ટને કહે કે જ્યારે ટાઈટલ પર નિર્ણય થશે, તો માત્ર વળતર આપવામાં આવશે.

આ પહેલીવાર નથી કે જ્યારે ભાજપના નેતાએ રામમંદિર માટે પોતાનો અભિપ્રાય આપ્યો હોય. સુબ્રમણ્યમ સ્વામીએ ગત વર્ષ ડિસેમ્બરમાં બીએચયૂમાં એક વ્યાખ્યાનમાં કહ્યુ હતુ કે રામમંદિર નિર્માણ રાષ્ટ્રની અસ્મિતાની ઓળખ છે. તેને રાષ્ટ્રીય પુનરુત્થાનનો વિષય ગણાવતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે કોર્ટ આસ્થાના વિષયમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે અયોધ્યામાં ખોદકામ દરમિયાન મંદિર હોવાના વૈજ્ઞાનિક પુરાવા મળી ચુક્યા છે. આ સ્થાન પર મંદિર હતું, તે વાત કોર્ટ પણ સ્વીકાર કરી ચુકી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઈને મુસ્લિમોને કોઈ વાંધો નથી.

આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ડિસેમ્બર-2018માં કેન્દ્રને 1994માં કોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટની પણ યાદ દેવડાવી હતી. આ એફિડેવિટમાં પી. વી. નરસિંહરાવની તત્કાલિન સરકારે કહ્યું હતું કે જો નીચે મંદિર હોવાનું ઉજાગર થશે, તો આપણે હિંદુઓની ઈચ્છા અનુસાર ચાલવું જોઈએ.