બીજેપીએ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુના ‘કાળા અંગ્રેજ’વાળા નિવેદન પર જબરદસ્ત પલટવાર કર્યો છે. બીજેપીએ સિદ્ધુના નિવેદન પર પલટવાર કરીને આરોપ લગાવ્યો છે કે સિદ્ધુએ ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહીં પરંતુ આખા હિંદુસ્તાનને ‘કાળા અંગ્રેજ’ કહ્યું છે. બીજેપી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા સંબિત પાત્રાએ કહ્યું, “મોદી કાળા છે તો શું થયું. હિંદુસ્તાનના રખવાળા છે.” આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીના રંગને લઈને પણ કટાક્ષ કર્યો.
સંબિત પાત્રાએ કહ્યું, “1984ના શીખ દંગલો પર સિદ્ધુ પર કશું નથી બોલતા. મોદીજી અંગ્રેજ છે અને સોનિયા ગાંધી હિંદુસ્તાની છે. આ કેવો ન્યાય છે? મોદીજી કાળા છે તો શું થયું, દિલવાળા છે. મોદીજી કાળા છે તો શું થયું, ગરીબોના રખેવાળ છે. હિંદુસ્તાનના રખેવાળ છે.”
આ દરમિયાન સંબિત પાત્રાએ કહ્યું, ‘ગોરે રંગપે ના ઇતના ગુમાન કર, યે ઇટાલિયન રંગ 23 મે કો ઉતર જાયેગા.’ તેમણે વધુમાં કહ્યું, ‘સિદ્ધુએ કહ્યું છે કે મોદીજી એ નવી નવેલી દુલ્હન જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ રણકાવે છે. આ એક જ વાક્યમાં સિદ્ધુએ કોંગ્રેસની માનસિકતા દર્શાવી છે કે કોંગ્રેસ પાર્ટી રેસિસ્ટ પણ છે અને સેક્સિસ્ટ પણ.’ કાલે ઇંદોરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે ચૂંટણીપ્રચાર કરવા પહોંચેલા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું, “હું ચોકીદારોને રોકવા માટે આવ્યો છું અને મોદીને ઠોકવા આવ્યો છું. ‘રામનામકી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ, તીન મોદી ભાગ ગયે, ચોથા બોલ રહા જૂઠ.’”