નવી દિલ્હી: ગુજરાતમાં મહિલા સાથે ગેરવર્તન કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીને પાર્ટી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમઉખ જીતુ વાઘાણીએ બલરામ થવાનીને કારણદર્શક નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જવાબ આપવા તાકીદ કરી છે.
આ પહેલા ભાજપના ધારાસભ્ય થવાણીએ મહિલાને મળીને માફી માંગી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની પાસે રાખડી પણ બંધાવી હતી. આ આખા મામલો ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે ધારાસભ્ય દ્વારા મહિલાની પિટાઈનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં એક મહિલા તેમની પાસે પાણીની તંગીની ફરિયાદ લઈને પહોંચી હતી. પરંતુ ધારાસભ્ય અને તેમના ટેકેદારોએ મહિલાને લાત-ઘૂંસા મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં ધારાસભ્યે મહિલા સાથે ગેરવર્તન અને તેની પિટાઈ કરવાના મામલે માફી માંગી હતી અને હવે પાર્ટીએ તેમને નોટિસ પણ ફટકારી છે.
વાઈરલ વીડિયો પ્રમાણે ફરિયાદ સાંભળ્યા બાદ સમસ્યાનો ઉકેલ લાવવાની કાર્યવાહી કરવાના સ્થાને ધારાસભ્યે તેમના ટેકેદારો સાથે મળીને મહિલાને ધક્કો મારીને સડક પર પાડી દીધી હતી અને પછી તેની પિટાઈ કરી હતી. મહિલા રહેમની ભીખ માંગતી રહી, પરંતુ ભાજપના ધારાસભ્ય પર આની કોઈ અસર થઈ નહીં. સોશયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ ધારાસભ્યે પહેલા માફી માંગી પછી મહિલા સાથે મળીને સુલેહ કરી હતી. બાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહિલા પાસે રાખડી બંધાવીને દાવો કર્યો કે હવે કોઈ વિવાદ નથી.
વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ધારાસભ્યે સ્પષ્ટીકરણ આપતા કહ્યુ હતુ કે કેટલાક લોકોએ પાછળથી મારા પર હુમલો કર્યો હતો. જેના કારણે હું પડયો અને મહિલાને લાત વાગી ગઈ. આ બધું જોશમાં થઈ ગયું. હું મારી ભૂલ માની રહ્યો છું. ઓફિસમાં આવીને હુમલો કરવો પણ તો યોગ્ય નથી. હું મારો બચાવ તો કરીશ ને.
ધારાસભ્યની પિટાઈનો ભોગ બનનારી મહિલાએ એએનઆઈને કહ્યુ હતુ કે હું ધારાસભ્ય બલરામના વિસ્તારમાં પાણીનો યોગ્ય પુરવઠો મળી નહીં રહ્યો હોવાની સમસ્યા લઈને મળવા માટે ગઈ હતી. કંઈપણ કહ્યા વગર, તેઓ આવ્યા અને મારી સાથે મારામારી શરૂ કરી દીધી. જ્યારે મારા પતિએ આ જોયું તો તેમણે આવીને મને બચાવી. જલ્દીથી બલરામના કેટલાક ધારાસભ્યો અંદર આવ્યા અને મારા પતિને દંડાથી માર મારવાનું શરૂ કર્યું. જે મહિલાઓ મારી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. તેમને પણ બલરામ અને તેમના ટેકેદારોએ ખરાબ રીતે માર મારવાનું શરૂ કર્યું હતું.