Site icon hindi.revoi.in

ભાજપ “હિંદી બેલ્ટ”ની નહીં, “હિંદુ હાર્ટ”ની પાર્ટી

Social Share

2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદી બેલ્ટના રાજ્યોમાં ભાજપ મોદી લહેરના કારણે જીત્યું હતું. ભાજપને 2014માં હિંદી બેલ્ટ અને પશ્ચિમ ભારતના ગુજરાત-મહારાષ્ટ્ર જેવા રાજ્યો સિવાય દક્ષિણ ભારત, પૂર્વ ભારત તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ખાસ સફળતા મળી ન હતી.

ભારતીય જનતા પાર્ટી માટે ખરેખર તેની સ્થાપનાથી હિંદી બેલ્ટની પાર્ટી તરીકેનો ટેગ લગાવવામાં આવે છે. પરંતુ 2019ની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટીના હિંદી બેલ્ટની પાર્ટીના ટેગને સમાપ્ત કરનારી હિંદુ હાર્ટની પાર્ટી વધુ સાબિત કરી રહી છે.

અહીં હિંદુ શબ્દને ધર્મ વિશેષની સાથે સાંકળતો શબ્દ ગણવો જોઈએ નહીં. હિંદુ શબ્દ ભારતમાં રાષ્ટ્રવાચક શબ્દ છે. હિંદુ ભારતની સાંસ્કૃતિક વિચારધારા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે જોડાયેલો શબ્દ છે. એટલે હિંદુ કોઈપણ મજહબ કે ધર્મનો વ્યક્તિ હોઈ શકે છે. ભારતની રાષ્ટ્રીય ધારા અને સાંસ્કૃતિક પ્રવાહને સ્વીકારનાર વ્યક્તિ હિંદુ જ ગણાશે. એટલે 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટીને હિંદુ હાર્ટની પાર્ટી બનાવી રહી છે.

ભારતમાં દ્વિરાષ્ટ્રવાદની થિયરી પેદા કરીને સર સૈયદ અહમદ ખાનથી માંડીને મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા સુધાના લોકો દ્વારા ભારત તોડોનું અભિયાન 1947માં ચરમસીમાએ પહોંચ્યું અને અખંડ ભારત ખંડિત બન્યું હતું. આવી વિચારધારાને ભારતમાં રોકવા માટે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એક આંદોલન તરીકે ચલાવવાની કોશિશ ભારતીય જનસંઘ પાસેથી રાજકીય વારસો લેનારી ભારતીય જનતા પાર્ટીએ આગળ વધારવાની કોશિશ કરી છે.

ભારતીય જનતા પાર્ટી ઘોષિતપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને માને છે. આવા સંજોગોમાં ભારતની પરંપરાઓ, ભારતની માન્યતાઓ, ભારતની લાગણીઓનો સ્વીકાર કરનાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ધ્વજારોહક છે. સંસ્કૃતિ મજહબથી મોટી અને મહાન છે. આવી વિચારધારા હવે ભારતમાં માત્ર હિંદી બેલ્ટ સુધી જ નવજીવિત થઈ નથી. ભારતના દક્ષિણ અને પૂર્વ-પૂર્વોત્તરના રાજ્યોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રવાહે દેશના હિંદુને જાગૃત કર્યો છે. ભારતના હિતો માટે વધુ સંવેદનશીલ બનાવીને ભારત તોડો ગેંગના તત્વોને પ્રભાવી નહીં થવા દેવા માટે જાગૃત કર્યો છે.

તેનું કારણ છે કે ભારતની લોકશાહીના સર્વોચ્ચ ઉત્સવ લોકસભાની ચૂંટણીમાં ભારતના લોકોએ 2019માં સૌથી વધુ ઉત્સાહ દાખવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર પસંદ કરી છે. મહાગઠબંધનોની રાજકીય ચાલબાજી વચ્ચે પણ ભારતના લોકોએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી માંડીને પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, આસામ સહીતના રાજ્યોમાં ભાજપને મજબૂત જનાધાર આપ્યો છે.

ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં દરેક રાજ્યોમાં પહોંચ ધરાવનારી પાર્ટી 2019માં બનતી દેખાય રહી છે. તમિલનાડુ, બિહાર, કેરળમાં ગઠબંધનના આધારે ભાજપને ખાસો જનાધાર મળતો દેખાય રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની દાદાગીરીમાં ભાજપે ઘણું મોટું પંક્ચર પાડવામાં સફળતા મેળવી છે. જય શ્રીરામ કહેનારને જેલમાં બંધ કરનાર મમતા બેનર્જીને જાહેરસભામાંથી જય શ્રીરામના સૂત્રોથી પીએમ મોદી અને અમિત શાહના પડકારને પશ્ચિમ બંગાળની જનતાએ સારા ઉમળકાથી પ્રતિસાદ આપ્યો છે.

ભારતની રાજકીય તાસિરની તસવીર હવે બદલાય ચુકી છે અને તેનું પ્રતિનિધિત્વ હવે કોંગ્રેસની પાસેથી ભારતીય જનતા પાર્ટી પાસે પહોંચી ચુક્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય રાજકારણના ધરી બદલાય ચુકી છે. આમા પ્રાદેશિક પક્ષોની રાષ્ટ્રીય પક્ષો સિવાયની રાજનીતિ થોડાક અપવાદોને બાદ કરતા સમાપ્ત થતી દેખાય રહી છે. તેની સાથે ત્રીજા મોરચાના ઉપાડાં પણ ભારતના લોકો નકારી ચુક્યા હોવાનું 2019ના આવી રહેલા પરિણામો જણાવી રહ્યા છે.

ભાજપનો પ્રભાવ માત્ર 15થી 16 રાજ્યોની સરકારો બનાવવા સુધી  જ નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને વલણોમાં દેખાય રહેલી બેઠકો તેની 2014ની લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે છે અને તે પણ ભારતના લગભગ તમામ વિસ્તારોમાં તેના જનાધારનું પ્રતિબિંબ પણ પાડનારી છે.

ભાજપને સ્વીકારનારા મુસ્લિમોની ટકાવારી પણ 2019ની ચૂંટણીમાં વધી છે. અંદાજે 13થી 14 ટકા મુસ્લિમ વોટરોએ પણ ભાજપને મત આપ્યા છે. તેનું કારણ ટ્રિપલ તલાક જેવા સુધારાવાદી મુદ્દાને વળગી રહેવું પણ છે. આ સિવાય મુસ્લિમ સમુદાયમાં પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન વધી રહ્યું છે અથવા તેના તરફ ખેંચાણ જોવા મળી રહ્યું છે. તેવું એક આકલન પણ રાજકીય બાબતોના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જો કે આના સંદર્ભે અભ્યાસ થવો જરૂરી છે.

Exit mobile version