નવી દિલ્હી: ભાજપના મુખ્યમથકમાં એક શખ્સે ફોન કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી. દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યમથકમાં શનિવારે ફોન આવ્યો હતો કે મુખ્યમથકમાં બોમ્બ છે. આ કોલ બાદ ભાજપ મુખ્યમથકમાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મુખ્યમથકની તપાસ કરી હતી. તપાસ બાદ જાણકારી મળી કે આ કોલ નકલી છે. પોલીસનું કહેવું છે કે તપાસ કરતા ખબર પડી કે કોલર મૈસૂરનો વતની છે. આ કોલ લગભગ 11 વાગ્યે આવ્યો હતો. જો કે છેલ્લા અહેવાલ સુધી ભાજપ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
કહેવામાં આવે છે કે કોલર માનસિક રીતે વિક્ષિપ્ત છે. આ શખ્સ ઘણીવાર આવા પ્રકારના કોલ કરી ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, દિલ્હી પોલીસના ડીસીપી સેન્ટ્રલે પુષ્ટિ કરી છે. પોલીસ પ્રમાણે, શનિવારે એક શખ્સે ભાજપના મુખ્યમથકના કંટ્રોલ રૂમમાં કોલ કરીને કહ્યુ હતુ કે ભાજપ મુખ્યમથકમાં બોમ્બ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.