Site icon hindi.revoi.in

ગુજરાતથી એસ. જયશંકર રાજ્યસભામાં જાય તેવી શક્યતા, બિહારથી રામવિલાસ પાસવાન

Social Share

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને ભાજપ ગુજરાતથી રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા છે. આ સિવાય કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનને બિહારથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

હાલ એસ. જયશંકર અને રામવિલાસ પાસવાન ન તો લોકસભાના સાંસદ છે અને ન તો રાજ્યસભાના સાંસદ છે. તેવામાં તેમણે આગામી છ માસની અંદર બંને ગૃહોમાંથી કોઈ એકના સદસ્ય બનવું ફરજિયાત છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાની અને બિહારની પટનાસાહિબ બેઠક પરથી રવિશંકર પ્રસાદ ચૂંટણી જીત્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ગુજરાતથી, જ્યારે રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સદસ્ય હતા.ચૂંટણી જીત્યા બાદ ત્રણેયએ પોતાના રાજીનામા રાજ્યસભાના સદસ્યપદેથી આપ્યા હતા. હવે તેમના સ્થાન પર બિહારથી રામવિલાસ પાસવાન અને ગુજરાતથી એસ. જયશંકરને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

આ વર્ષે વિદેશ સચિવ પદેથી રિટાયર થયેલા સુબ્રમણ્યમ જયશંકર સૌથી લાંબી 36 વર્ષની વિદેશ સેવાની તેમની કામગીરી માટે વિખ્યાત છે. તેમમે દિલ્હીની સેન્ટર સ્ટીફન્સ કોલેજથી સ્નાતક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીથી ઈન્ટરનેશનલ રિલેશનમાં એમએ કર્યું છે. જાન્યુઆરી-2015થી લઈને જાન્યુઆરી-2018 સુધી તેઓ વિદેશ સચિવ તરીકેના પોતાના કાર્યકાળમાં મોદી સરકાર માટે વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે.

લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને આ વખતે લોકસભાની ચૂંટણી લડી નથી. ચૂંટણી પહેલા જ પાસવાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના નથી. માનવામાં આવતું હતું કે ભાજપ તેમને રાજ્યસભામાં મોકલશે. બિહારમાં તેમની પાર્ટીએ ભાજપ અને જેડીયુ સાથે મળીને છ બેઠકો પર લોકસભામાં ચૂંટણી લડી હતી અને તમામ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

Exit mobile version