બિહારના મુઝફ્ફરપુરની ચર્ચિત હોસ્પિટલની પાછળ માણસોના કંકાલ મળી આવ્યા છે. ગત કેટલાક સમયથી મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગેરવ્યવસ્થાને કારણે ચર્ચામાં છે. અહીં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ અથવા મગજના તાવથી અત્યાર સુધીમાં 108 બાળકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આકા બિહારમાં અત્યાર સુધીમાં એઈએસને કારણે 145થી વધુ બાળકોના મોત નીપજ્યા છે.
એએનઆઈ પ્રમાણે, હોસ્પિટલની પાછળ નરકંકાલના કેટલાક ટુકડા મળી આવ્યા છે. હોસ્પિટલના પ્રશાસને આ મામલાને લઈને તપાસ કરાવવાની વાત કહી છે.
શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ એસ. કે. શાહીએ કહ્યુ છે કે પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ અંતર્ગત આ મામલો આવે છે. તેઓ પ્રિન્સિપલ સાથે વાતચીત કરશે અને તપાસ માટે કમિટી બનાવવાનું કહેશે.
દર્દીઓ માટે પથારી અને ડોક્ટરના અભાવ તથા બાળકોને સારો ઈલાજ નહીં આપવાને કારણે આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી સવાલોમાં ઘેરાયેલી છે. એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમથી બાળકોના મોતનો આંકડો વધ્યા બાદ ઘણાં મોટા નેતાઓ અહીં આવી ચુક્યા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી પણ તાજેતરમાં આ હોસ્પિટલની મુલાકાત લઈ ચુક્યાછે. તેમ છતાં આ હોસ્પિટલની આસપાસથી હવે નરકંકાલના ટુકડા મળવાના મામલે ઘણાં સવાલો પેદા થઈ ચુક્યા છે.
નરકંકાલના ટુકડાની તસવીરો સામે આવ્યા બાદથી ઘણાં લોકો સોશયલ મીડિયા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક યૂજર્સ લખી રહ્યા છે કે ક્યાંક મોતોને છૂપાવવા માટે તો નરકંકાલને ફેંકવામાં આવ્યા નથી ને?
એક સોશયલ મીડિયા યૂઝરે લખ્યુ છે કે આ ઘણું આંચકાજનક છે. આખરે આ હોસ્પિટલમાં થઈ શું રહ્યું છે?