પટના: બિહારમાં સુશાસન બાબુના નામે ઓળખાતા મુખ્યપ્રધાન નીતિશ કુમારના રાજમાં રાજ્યમાં ગરમી અને લૂને કારણે 90 લોકોના મોત અને મગજના તાવને કારણે રાજ્યમાં 142 માસૂમ બાળકોના જીવ ગયા છે. આ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સવાલ કરવામાં આવે છે, તો તેઓ મીડિયા પર ગુસ્સે ભરાય છે. બિહારમાં મગજના તાવને કારણે 142 બાળકોના મોત થઈ ચુક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.
આ મામલા પર બિહારના સીએમ નીતિશ કુમારે ચુપકીદી સાધી રાખી છે. સતત થઈ રહેલા મોતને કારણે નીતિશ સરકાર લોકોના નિશાને છે. પરંતુ નીતિશ કંઈપણ બોલવા માટે તૈયાર નથી. નીતિશને જ્યારે બુધવારે પણ દિલ્હીમાં બાળકોના મોત પર સવાલ પુછવામાં આવ્યો, તો તેમના મોંઢામાં મગ ભરેલા જ રહ્યા.
આ પહેલા મંગળવારે પણ નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ મોતની ઘટનાની શરૂઆતના 20 દિવસ બાદ શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ બન્યા હતા. લોકોએ નીતિશ ગો બેકના સૂત્રો પોકાર્યા હતા. હોસ્પિટલમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત કરી હતી.
બિહારમાં હજીપણ મગજના તાવના કારણે મોતનું તાંડવ યથાવત છે અને બાળકોના મોતની સંખ્યામાં વધારાની આશંકા છે. પરંતુ મીડિયાના સવાલ પર સુશાસન બાબુ ગુસ્સે થઈ જાય છે.