Site icon hindi.revoi.in

બિહારમાં ‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ જાગ્યા સીએમ નીતિશ કુમાર, પહોંચ્યા મુઝફ્ફરપુર

Social Share

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં સેંકડો બાળકો એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવની ઝપટમાં આવી ગયા છે. મુઝફ્ફરપુરમાં આ તાવથી મરનારાઓની સંખ્યા 108ની થઈ ચુકી છે. ત્યાં હોસ્પિટલમાં ભરતી બીમાર બાળકોની સંખ્યા વધીને 414ની થઈ ચુકી છે.

ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધી એસકેએમસીએચ હોસ્પિટલમાં 89 અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોના મોત નીપજ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન અને બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે સામે બીમારી પહેલા એક્શન નહીં લેવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકોના મોત પર માનવાધિકાર પંચે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસો મોકલી છે. તો ચમકી તાવ પર મચેલા રાજકીય બબાલ વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમાર મંગળવારે મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. સીએમ નીતિશ કુમારે હોસ્પિટલમાં ડોક્ટરો સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે મુઝફ્ફરપુર જિલ્લામાં ઈન્સેફેલાઈટિસ વાયરસના કારણે બાળકોના મોતનીવધતી સંખ્યા પર સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને બિહાર સરકાર પાસે રિપોર્ટ દાખલ કરવા માટે એક નોટિસ જાહેર કરી છે. માનવાધિકાર પંચે કહ્યું છે કે સોમવારે બિહારમાં એઈએસથી મરનારા બાળકોની સંખ્યા વધીને 100થી વધુ થઈ છે અને રાજ્નયા અન્ય જિલ્લા પણ આનાથી અસરગ્રસ્ત છે. તેની સાથે જ પંચે ઈન્સેફેલાઈટિસ વાયરસ અને ચમકી તાવને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાને લઈને સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે. માનવાધિકાર પંચે જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.

બિહારમાં મહામારીની જેમ ફેલાયેલા ચમકી તાવને લઈને મુખ્યપ્રધાન નીતિશ કુમારે સોમવારે ઉચ્ચસ્તરીય બેઠક કર હતી. બાદમાં મુખ્ય સચિવ દીપક કુમારે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે તેમની ટીમ દરેક ઘરમાં જશે અને જે ઘરમાં આ બીમારીથી બાળકોના મોત થયા છે, ટીમ બીમારીની પૃષ્ઠભૂમિને જાણવાની કોશિશ કરશે. કારણ કે સરકાર અત્યાર સુધી એ જાણકારી મેળવી શકી નથી કે આખરે આ બીમારીનું કારણ શું છે. ઘણાં વિશેષજ્ઞો આનું કારણ લીચી વાયરસ ગણાવી રહ્યા છે. પરંતુ ઘણાં એવા પીડિત પણ છે કે જેમણે લીચી ખાધી નથી.

નીતિશ કુમારે બેઠકમાં નિર્ણય કર્યો છે કે ચમકીથી પ્રભાવિત બાળકોને નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સારવારનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવશે. તો આ બીમારીથી મરનારાના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે કહ્યુ છે કે ચમકી તાવથી બિહારના કુલ 12 જિલ્લાના 222 પ્રખંડ અસરગ્રસ્ત છે. પરંતુ તેમાંથી 72 ટકા કેસ મુઝફ્ફરપુરમાં છે.

મહત્વપૂર્ણ છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્રસિંહ કુશવાહાએ પણ સોમવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે વખતે તેમણે કહ્યુ હતુ કે પાંચ વર્ષ પહેલા પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તપાસનું એલાન અને 100 બેડના સુપર સ્પેશ્યાલિટીવાળા યૂનિટના નિર્માણની ઘોષણા કરી હતી. 2014માં 379 બાળકોના મોત નીપજ્યા હતા.

Exit mobile version