કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે રાજકીય ધમાસાણ ચાલુ છે. કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ બાદ હવે બંને પાર્ટીઓ ફરી એકવાર સડક પર નમાજ પઢવા જેવા મુદ્દાને લઈને આમને સામને છે. પશ્ચિમ બંગાળમાં સડક પર નમાજ પઢવાને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. મંગળવારે ભાજપના કાર્યકર્તાઓએ નમાજના વિરોધમાં સડક પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના હાવડાની બાલી ખાલની નજીક મંગળવારે મોડી રાત્રે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઓમ પ્રકાશ અને પ્રિયંકા શર્માના નેતૃત્વમાં પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓએ સડક પર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ભાજપના હનુમાન ચાલીસાના પાઠને કારણે ઘણાં કલાકો સુધી માર્ગ બંધ રહ્યો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ઓ. પી. સિંહે કહ્યુ છે કે શુક્રવારે નમાજને કારણે દર વખતે જીટી રોડ બંધ કરી દેવામાં આવે છે. તે વખતે દર્દીઓના મોતની ઘટનાઓ પણ બને છે. લોકો સમયસર ઓફિસે પહોંચી શકતા નથી.
ઓ. પી. સિંહે આગળ કહ્યુ છે કે આના વિરોધમાં તેમણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. જ્યાં સુધી નમાજ રોડ પર પઢવાનું ચાલુ રહેશે, ત્યાં સુધી તેઓ દર મંગળવારે મુખ્ય માર્ગો પર હનુમાન મંદિર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરશે.