અમદાવાદ: ચોમાસાની ઋતુમાં ફળ અને શાકભાજી તાજા દેખાય છે પરંતુ શું આ તાજા દેખાતા શાકભાજી ચળકતા રંગના કારણે તાજા અને ખાવા યોગ્ય દેખાય શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. શાકભાજી અને ફળ વેચવા માટે તેમને વિવિધ રંગો રંગવામાં આવે છે.
આ પ્રકારના શાકભાજી અને ફળોનો સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ રંગો અને રસાયણો લોહીમાં ભળે છે અને શરીરમાંથી બહાર નીકળતા નથી તેના કારણે લીવર, કિડની અને હાર્ટને ગંભીર નુકસાન થાય છે.હાલમાં જ શાકભાજી વિક્રેતાઓને આ હાનિકારક રંગો અને જંતુનાશક દવાઓથી થતી નુકસાનકારક અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે કેટલાક સ્થાનેથી શાકભાજીના 37 નમૂના લઈ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ રીતે કરે છે આપણા શરીરના ભાગોને નુકસાન:
મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ થાય છે. તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. તે લોહીમાં એકઠું થતું રહે છે. એક મર્યાદા પછી તે શરીરના કોષ ને વિકૃત કરવાનું શરૂ કરે છે. તેનાથી ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.
આ જ રીતે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે ઓરમાઇન રંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય રસાયણો લિવર, કિડની, હૃદય માટે હાનિકારક છે. તેના પરિણામે હૃદયની ગતિ અનિયમિત થવા લાગે છે. કિડની અને લિવર પણ ખરાબ થાય છે. તેના નુકસાનથી બચવા માટે ફળ અને શાકભાજીને કલોરિનના પાણીમાં બરાબર ધોઈ ઉપયોગમાં લેવા જોઈએ.
શાકભાજીમાં થતા લીલા રંગની મિલાવટ વિશે જાણવા માટે રૂને પાણી અથવા તેલમાં પલાળીને મરચાં, પરવળ અથવા ભીંડાના બહારના ભાગ પર ઘસવું. જો રૂનો રંગ લીલો થાય તો સમજી લેવું કે તેના પર કલર કરવામાં આવ્યો છે.
લીલા વટાણાને બ્લોટિંગ પેપર પર રાખવાથી તેના પર કૃત્રિમ રંગ તરી આવે છે. આ સિવાય કાચનો એક ગ્લાસ પાણીથી ભરવો અને તેમાં વટાણાને અડધો કલાક માટે છોડી દો આમ કરવાથી તેમાં રંગ દેખાવા લાગશે.
(Devanshi)