Site icon Revoi.in

બેટ દ્વારિકા, પિરોટન, શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે.

આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં 15, શિયાળ બેટમાં 20 અને પિરોટન ટાપુના 12 મળી કુલ 47 પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ અને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, દ્વારકા, પિરોટન અને શિયાળ બેટ ટાપુઓ પર સાકાર થનારા ૪૭ જેટલા પ્રવાસન વિકાસ એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચર એજ્યુકેશન તેમજ ફિશરીઝ સેકટરના પ્રોજેકટસને અનુરૂપ સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત ઊભી થશે તેને આ મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પૂરી કરી શકશે. અને સ્થાનિક યુવાઓને રોજગાર અવસર પણ મળશે.