પાકિસ્તાનથી આઝાદ થવા માટે બલૂચિસ્તાનની માગણી જોર પકડી રહી છે. તો બીજી તરફ બલૂચિસ્તાનના નેતાઓની હત્યાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા મીર નવાબ અમાનુલ્લાહ જેહરીની ખુજદારમાં શુક્રવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં છે.
હુમલાખોરોએ જેહરીના 14 વર્ષના પૌત્ર અને બે મિત્રોને પણ ગોળીઓ મારીને વિંધી નાખ્યા હતા. બીએનપી અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના સદસ્ય અખ્તર મેંગલે જેહરીની હત્યાની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કરીને જેહરીની હત્યાને પાર્ટી અને બલૂચિસ્તાનની જનતા માટે કાળો દિવસ ગણાવ્યો છે.
મેંગલે કહ્યુ છે કે બીએનપી અને બલૂચિસ્તાનની જનતા માટે વધુ એક કાળો દિવસ. જેહરીની હત્યાથી અમે સૌ બેસહારા થઈ ગયા છે. શહીદ જેહરી અને તેના મિત્ર તથા નિર્દોષ પૌત્રની મધ્યરાત્રિએ નિર્મમ રીતે હત્યાના સમાચારથી સુન્ન છું. ડૉનના અહેવાલ પ્રમાણે, મૃતકોની લાશ તેમના પરિવારજનોને હવાલે કરીને પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370ની જોગવાઈઓને બિનઅસરકારક કરાયા બાદથી જ બલૂચિસ્તાનમાં પણ પાકિસ્તાનની વિરુદ્ધના અવાજો જોર પકડી રહ્યા છે. આઝાદીની લડાઈ લડી રહેલા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતાસેનાનીઓએ પાકિસ્તાનના ચુંગલમાંથી આઝાદ થવા માટે હિંદુસ્તાનની મદદ માંગી છે.
પાકિસ્તાનને પોતાના સ્વતંત્રતા દિવસ 14મી ઓગસ્ટે શરર્મિંદગીનો સામનો કરવો પડયો હતો. ત્યારે ટ્વિટર પર બલૂચિસ્તાનના સમર્થનમાં BalochistanSolidarityDay અને 14thAugustBlackDay હેશટેગ ટ્રેંડ કરવા લાગ્યા હતા. આ ટ્રેંડો પર લગભગ અનુક્રમે 100,000 અને 54,000 ટ્વિટ્સ થયા.
પાકિસ્તાનના કબજા વિરુદ્ધ બલૂચિસ્તાન 198થી જ સંઘર્ષ કરી રહ્યું છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર માનવાધિકારના જઘન્ય આરોપ અવારનવાર લાગતા રહે છે. બલૂચોના અવાજને દબાવવા માટે વખતોવખત તેમના નેતાઓની પણ હત્યાઓ થતી રહી છે. આવી હત્યાઓનો દોષ અજ્ઞાત હુમલાખોરોના માથે ઢોળવામાં આવે છે, પરંતુ આ હુમલાખોરો પકડમાં આવતા નથી. કહેવામાં આવે છે કે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીઓ બલૂચ નેતાઓની હત્યાઓ પાછળ છે.