નવી દિલ્હી: અયોધ્યા વિવાદીત બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાના ષડયંત્રના મામલામાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છ માસ માટે પાછી ઠેલાઈ છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું છે કે સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવ જ્યાં સુધી નિર્ણય નહીં આપે, ત્યાં સુધી તેમને રિટાયર કરવામાં આવે નહીં. સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવે કોર્ટને પત્ર લખીને મામલાની સુનાવણી પુરી કરવા માટે છ માસનો વધુ સમય માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ બેહદ જરૂરી છે કે સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવ મામલાની સુનાવણી પુરી કરવાનો ચુકાદો આપે. કોર્ટે કહ્યું છે કે અમે અનુચ્છેદ-142 હેઠળ આદેશ જાહેર કરીશું કે તેમને 30 સપ્ટેમ્બરે રિટાયર કરવામાં આવે નહીં. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને સવાલ કર્યો છે કે ન્યાયાધીશ એસ. કે. યાદવનો કાર્યકાળ કેવી રીતે વધારવામાં આવી શકે છે? તેની સાથે જ કાયદાકીય જોગવાઈ શું છે? શુક્રવાર સુધીમાં યુપી સરકારને આના સંદર્ભે જાણકારી આપવાની છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે મામલાની સુનાવણી કરશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિંદુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા પક્ષકારોમાંથી એક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યુ છે કે અયોધ્યા વિવાદમાં જો મધ્યસ્થતા નિષ્ફળ જાય છે, તો સુપ્રીમ કોર્ટ આ મામલા પર દૈનિક ધોરણે સુનાવણી શરૂ કરી શકે છે. મધ્યસ્થતાની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ નહીં થવાની વાત કહેતા મામલાને યાદીબદ્ધ કરવા માટે ગોપાલસિંહ વિશારદે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.
વિશારદના વકીલ અને વરિષ્ઠ એડવોકેટ પી. એસ. નરસિમ્હાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની ખંડપીઠ સમક્ષ મામલાનો ઉલ્લેખ કર્યો છે. હિંદુ પક્ષોનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોનું કહેવું છે કે આ વિવાદ ગત 69 વર્ષોથી અટવાયેલો છે અને મામલાના ઉકેલ માટે શરૂ કરવામાં આવેલી મધ્યસ્થતાનું વલણ સકારાત્મક દેખાઈ રહ્યું નથી.