Site icon Revoi.in

ઓટો સેક્ટરમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટમાં નોંધાયો રેકોર્ડ ઘટાડો

Social Share

દેશમાં ઓટો સેક્ટરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત દશમા મહીને ઓગસ્ટમાં પ્રવાસી વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. વાહન નિર્માતાઓના સંગઠન સિયામના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં પ્રવાસી વાહનોનું વેચાણ એક વર્ષ પહેલા આ મહીનાની સરખામણીમાં 31.57 ટકા ઘટીને 196524 વાહન પર આવીને અટક્યું છે. એક વર્ષ પહેલા ઓગસ્ટમાં 287198 વાહનોનું વેચાણ થયું હતું.

ભારતીય ઓટોમોબાઈલ વિનિર્માતા સોસાયટી એટલે કે સિયામે સોમવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ઓગસ્ટ – 2019માં ડોમેસ્ટિક બજારમાં કારોનું વેચાણ 41.09 ટકાના ઘટાડા સાથે 115957 કાર રહી ગયું હતું, જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટમાં 19687 કારો વેચાઈ હતી.

આ સમયગાળા દરમિયાન દ્વિચક્રી વાહનોનું વેચાણ 22.24 ટકા ઘટીને 1514196 યુનિટ નોંધાયું હતું, જ્યારે એક વર્ષ પહેલા આ માસમાં દેશમાં 1947304 દ્વિચક્રી વાહનો વેચાયા હતા. આમા બાઈકનું વેચાણ 22.33 ટકા ઘટીને 937486 થયું હતું. જે એક વર્ષ પહેલા આ મહીનામાં 1207005 બાઈક વેચાયા હતા.

સિયામના આંકડા પ્રમાણે, ઓગસ્ટ માસમાં વાણિજ્યિક વાહનોનું વેચાણ 38.71 ટકા ઘટીને 51897 વાહન રહ્યું હતું. કુલ મળીને જો તમામ પ્રકારના વાહનોની વાત કરવામાં આવે, તો ઓગસ્ટ – 2019માં કુલ વાહનનું વેચાણ 23.55 ટકા ઘટીને 1821490 વાહન રહી ગયું હતું. જ્યારે એક વર્ષ પહેલા આ માસમાં કુલ 2382436 વાહનોનું વેચાણ થયું હતું.

ગત સપ્તાહે પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને ભરોસો આપ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલ વ્હીકલના પ્રતિબંધની કોઈ યોજના નથી. તેમણે કહ્યુ હતુ કે ઓટો સેક્ટરમાં સ્લોડાઉન વૈશ્વિક આર્થિક કારણોથી છે. તેમણે કહ્યુ હતુ કે નાણાં પ્રધાન ઝડપથી આનું સમાધાન કાઢશે.

દેશની સૌતી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગત સપ્તાહે પોતાના ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટને બે દિવસ માટે બંધ રાખ્યો હતો. આવું મારુતિએ પહેલીવાર કર્યું હતું. નાણાં પ્રધાને ઓટો સેક્ટરના સ્લોડાઉનનો સામનો કરવા માટે ઘણાં પગલા ઉઠાવ્યા હતા.