મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝડપી લેવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ સક્રીય રીતે કામગીરી કરી રહી છે. દરમિયાન તેની જપ્ત કરેલી મિલકતોની પણ હરાજી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં દાઉદની 3 મિલકતો હરાજીમાં રૂ. 1.10 કરોડમાં વેચવામાં આવી હતી. જ્યારે અન્ય મિલકતોની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રત્નાગિરીમાં દાઉદની 30 અને 50 ગુંઠાની બે જમીન અને એક ઈમારતની હરાજી કરવામાં આવી હતી. ખેડના લાટે ગામમાં આવેલી દાઉદની મુલકતની હરાજી સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ હેઠળ કરાઈ હતી. જેની અનામત કિંમત રૂ. 1.09 કરોડ રાખવામાં આવી હતી. હાઈવે નજીક આવેલા દાઉદની આ મિલકત હરાજીમાં રવીન્દ્ર નામની વ્યક્તિએ રૂ. 1.10 કરોડમાં ખરીદી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મિલકત નવેમ્બરમાં હરાજી માટે કાઢવામાં આવી હતી, પરંતુ ટેકિનકલ સમસ્યાને કારણે આ મિલકતો વેચાઇ ન હોતી. આથી ત્રણ મિલકતની ફરી હરાજી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ખેડ તાલુકાની જ થોડી વધુ મિલકતો હરાજીમાં મુકાવામાં આવશે. આ પ્રક્રિયા ઇ–ઓકશન, પબ્લિક ઓકશન અને સીલ્ડ ટેન્ડર ઓકશન થકી હાથ ધરવામાં આવી હતી.