ગૌહાટી : આસામની સર્બાનંદ સોનોવાલની સરકારે પંચાયત પ્રમુખ બનવા માટે લઘુત્તમ વયને હાલની 35 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ પદ માટે મહત્તમ બે બાળકો હોવાનો માપદંડ યથાવત રહેશે.
કેબિનેટે એક નવો કાયદો બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આસામની બહાર કામ કરનારા યુવાવર્ગના હિતોને સુરક્ષિત રાખવા માટે આસામ પ્રાઈવેટ પ્લેસમેન્ટ એજન્સીસ ફોર રિક્રૂટમેન્ટ રેગ્યુલેશન એક્ટ બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેના સિવાય કેબિનેટે નિર્ણય કર્યો છે કે સામુદાયિક જમીન પરથી દબાણ હટાવવા માટે આસામ ભૂમિ રાજસ્વ વિનિયમન અધિનિયમ 1886 હેઠળ કરવામાં આવશે. તેના ગૌહાટી હાઈકોર્ટના આદેશ પ્રમાણે નહીં કરાય.
રાજ્ય સરકારે આસામ પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડમાં રહેલી અઢીસો કરોડ રૂપિયાની મૂડીને વધારીને પાંચ હજાર કરોડ રૂપિયા કરવાની યોજના બનાવી છે. કેબિનેટે વિકાસ પરિષદોના સદસ્યોના માસિક ભથ્થા પાંચ હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા પ્રતિ માસ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જ્યારે મુખ્ય કાર્યકારી સદસ્યોના 16 હજાર રૂપિયાથી વધારીને 45 હજાર રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.