Site icon Revoi.in

કાશ્મીરી ભાગલાવાદી આસિયા અંદ્રાબીનું પાકિસ્તાની સેના સાથે કનેક્શન, આઈએસઆઈ પાસેથી મળ્યું ફંડિંગ

Social Share

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખુલાસો કર્યો છે કે કાશ્મીરના ભાગલાવાદી મહિલા સંગઠન દુખ્તરાને મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબી પાકિસ્તાની સેનાના સંપર્કમાં હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તેને નાણાં પણ મળતા હતા. એનઆઈએ પ્રમાણે, આસિયા પાકિસ્તાની સેનામાં કામ કરનારા એક અધિકારી દ્વારા આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના પણ સંપર્કમાં હતી.

પાકિસ્તાની સેનાનો આ અધિકારી આસિયા અંદ્રાબીનો સગો પણ છે. આના પહેલા એનઆઈએ દ્વારા સઈદની સાથે ટેરર ફંડિંગ મામલામાં મંગળવારે મસરત આલમ, આસિયા અંદ્રાબી અને શબ્બીર શાહની ધરપકડ કરી હતી. એનઆઈએએ ત્રણેયને દશ દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આ ત્રણેય હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

એનઆઈએ સૂત્રોએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાનો અધિકારી આસિયા અંદ્રાબીનો ભત્રીજો છે. તેના સિવાય તેનો એક નજીકનો સગો પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના સંપર્કમાં છે.

તપાસમાં ખુલાસો થયો છે કે આસિયાના કેટલાક સગા દુબઈ અને સાઉદી અરેબિયામાં રહે છે. આ લોકોએ ભારતમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે આશિયાને નાણાં પણ પહોંચાડયા છે. દુખ્તરાને મિલ્લતની સંસ્થાપક આસિયા ભારતમાંથી કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાના ઉદેશ્ય સાથે દેશદ્રોહી કામ કરી રહી છે. આસિયાને રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડવાના મામલામાં જુલાઈ-2018માં એરેસ્ટ કરવામાં આવી હતી.

આસિયા સૌથી પહેલા સમાચારમાં ત્યારે ચમકી હતી કે જ્યારે તેણે ચાર વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં પાકિસતાનના ઝંડા સાથે પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાયું હતું. જણાવવામાં આવ્યું હતું કે આની પાછળ હાફિઝ સઈદનું દિમાગ હતું. આના પહેલા એનઆઈએએ આ ત્રણેય લોકો માટે પંદર દિવસની ન્યાયિક હિરાસતની માગણી કરી હતી. દિલ્હીની એક અદાલતે ત્રણેયને 10 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

આ પહેલા એનઆઈએએ 30મી મે-2017ના રોજ ભાગલાવાદીઓ વિરુદ્ધ આતંકી સંગઠનો સાથે સંબંધ રાખવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ લોકો અને અંદ્રાબી પર કાશ્મીરમાં પથ્થરબાજી કરાવવા માટે લશ્કરે તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ પાસેથી નાણાં પ્રાપ્ત કરાવવાનો આરોપ પણ હતો. તેને 6 જુલાઈ-2018માં દિલ્હી લાવવામાં આવી હતી.