હૈદરાબાદ: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમિનના અધ્યક્ષ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ચુક્યું છે. રેડ્ડીએ ક્હયું હતુ કે આતંકી ગતિવિધિઓના તાર મોટાભાગે હૈદરાબાદ સાથે જોડાઈ જાય છે. આના સંદર્ભે ઓવૈસીએ પણ પલટવાર કર્યો હતો.
ઓવૈસીએ કહ્યુ હતુ કે હું તેમને પુછવા માંગુ છું કે ગત પાંચ વર્ષો દરમિયાન એનઆઈએ, આઈબી અને રૉએ કેટલીવાર લેખિતમાં જણાવ્યું કે હૈદરાબાદ આતંક માટે સેફ ઝોન છે? આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ એવું નિવેદન આપી રહ્યા છે. ગત પાંચ વર્ષોથી ત્યાં શાંતિ છે, કોઈ કોમવાદી હુલ્લડ થયું નથી. ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્વક રીતે ઉજવવામાં આવે છે. આ એક ઝડપથી વિકસતું શહેર છે અને તે આવું નિવેદન આપી રહ્યા છે. તેમની તેલંગાણા સાથે શું દુશ્મની છે? શું તેમને અહીંની પ્રગતિ પસંદ નથી?
ઓવૈસીએ કહ્યુ છે કે એક રાજ્યપ્રધાન આવી રીતનું નિવેદન આપી રહ્યા છે. તે તેલંગાણા અને હૈદરાબાદ માટે તેમની નફરત જણાવે છે. આવું બેજવાબદાર નિવેદન આક પ્રધાનને શોભાસ્પદ નથી. પરંતુ અમે તેમની પાસે આવી આશા પણ રાખી રહ્યા છીએ. જ્યાં ક્યાંય પણ તેમને મુસ્લિમ દેખાઈ રહ્યા છે, તેઓ તેમને આતંકી સ્વરૂપે લે છે. અમે આનો ઈલાજ કરી શકીએ નહીં.
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યુ છે કે દેશમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે. જો બેંગાલુરુ, ભોપાલામાં કોઈ ઘટના થાય છે, તો તેના મૂળિયા હૈદરાબાદ સાથે જોડાઈ જાય છે. રાજ્ય પોલીસ અને એનઆઈએ દર બેથી ત્રણ માસના અંતરે હૈદરાબાદથી આતંકવાદીઓની ધરપકડ કરે છે. મે કંઈપણ ખોટું કહ્યું નથી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ કથિતપણે કહ્યુ હતુ કે જેને ચાહો તેને ભારતમાં રહેવા દેવામાં આવે તેવી ભારત કોઈ ધર્મશાળા નથી. ભારતીય કોણ છે અને કોણ ઘૂસણખોર, તેની જાણકારી મેળવવા માટે અમે એક વસ્તીગણતરી કરાવીશું. દેશમાં કોઈપણ ઠેકાણે આતંકી હુમલો થાય છે, તો તેની કડી હૈદરાબાદ સાથે જોડાયેલી હોય છે. હૈદરાબાદ આતંક માટે સુરક્ષિત ઝોન છે.