નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મેટ્રો અને ડીટીસી બસોમાં મહિલા પ્રવાસીઓ માટે મફત મુસાફરી માટેની મોટી ઘોષણા કરી છે. કેજરીવાલે સોમવારે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ છે કે આગામી બેથી ત્રણ માસમાં આ વ્યવસ્થાને લાગુ કરી દેવામાં આવશે. લોકસભા ચૂંટણીઓમાં મળેલી કારમી હાર બાદ માનવામાં આવતું હતું કે મતદાતાઓ વચ્ચે ફરીથી પોતાની પહોંચ બનાવવા માટે કેજરીવાલ સરકાર કેટલાક મોટા એલાન કરે તેવી શક્યતા છે.
જો કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આને ચૂંટણીની લાલચ હોવાના આરોપ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે સારા કામનો કોઈ સમય હોતો નથી. કોઈ ખાસ પ્રયોજનને ધ્યાનમાં રાખીને નહીં, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજનાને શરૂ કરાઈ રહી છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે શહેરની તમામ સ્કૂલોમાં કેમેરા લગાવવાનું કામ નવેમ્બર સધી પૂર્ણ કરી લેવામાં આવશે. 8 જૂનથી કેમેરા લગાવવાનું શરૂ કરવામાં આવશે. 70 હજાર કેમેરા પર સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અઢી લાખ કેમેરા લગાવવામાં આવશે. તેમણે બસો અને મેટ્રોમાં મહિલાઓને મફત મુસાફરી સંદર્ભે કરવામાં આવેલા નિર્ણય પર કહ્યુ છે કે સામાન્ય પરિવારોની પુત્રીઓ જ્યરે કોલેજ માટે નીકળે છે, મહિલાઓ નોકરી માટે નીકળે છે, તો લોકોના દિલ ધક-ધક કરતા રહે છે. તેમની સુરક્ષાની ચિંતા બનેલી રહે છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે તમામ ડીટીસી બસો, મેટ્રો અને ક્લસ્ટર બસોમાં મહિલાઓના ભાડાંને ફ્રી કરવામાં આવશે. અમારો ઉદેશ્ય છે કે મહિલાઓ વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.
દિલ્હીના મુખ્યપ્રધાને મહિલાઓને એ પણ આગ્રહ કર્યો છે કે જે મહિલાઓ ભાડાનું વહન કરવામાં સક્ષમ છે, તે સબસિડીનો ઉપયોગ કરે નહીં. તેમણે કહ્યુ છે કે આમા જોગવાઈ એવી હશે કે કેટલીક મહિલાઓ ભાડું અફોર્ડ કરી શકે છે, તો અમે તેમને પ્રોત્સાહીત કરીશું કે સબસિડીનો ઉપયોગ કરે નહીં. અધિકારીઓને એક સપ્તાહનો ટાઈમ આપવામાં આવ્યો છે કે ડિટેલ પ્રપોઝલ બનાવી લાવે. કોશિશ કરીશું કે બેથી ત્રણ માસમાં આ વ્યવસ્થાને લાગુ કરી શકાય. delhiwomensafety@gmail.com પર પોતાના ફીડબેક પણ સામાન્ય નાગરીક આપી શકે છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે આ વ્યવસ્થાને શરૂ કરવામાં જે પણ ખર્ચો છે, તે દિલ્હી સરકાર આપશે. તેમણે કહ્યુ છે કે પહેલા અમે કેન્દ્ર સરકારને ભાડું નહીં વધારવા માટે વિનંતી કરી, બાદમાં 50-50ની પાર્ટનરશિપમાં સબસિડીની વિનંતી કરી, પરંતુ કેન્દ્ર સરકાર માની નહીં. અમે સમગ્ર ખર્ચનું વહન કરવા જઈ રહ્યા છીએ અને તેના માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરીની જરૂરત નથી.
દિલ્હીના મુખ્યપ્રધાનને જ્યારે આ યોજના માટે થનારા ખર્ચની વિગતો પુછવામાં આવી, તો તેમણે કહ્યુ છે કે કુલ મળીને બચેલા છથી સાત માસમાં 700થી 800 કરોડ સુધીનો ખર્ચ થશે. તેમણે કહ્યુ છે કે 30થી 33 ટકા મહિલાઓ છે, જે મેટ્રો અને બસોમાં સફર કરે છે. કુલ મળીને આ વર્ષે બચેલા મહીનામાં આ ખર્ચ 700થી 800 કરોડ સુધીનો થઈ શકે છે. અધિકારીઓને એક સપ્તાહમાં આનો વિગતવાર રિપોર્ટ આપવા માટે તાકીદ કરવામાં આવી છે.
દિલ્હીમાં મહિલાઓની સફરને સુરક્ષિત કરવા પર ભાર મૂકતા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે ક્લસ્ટર બસોમાં માર્શલની તેનાતી કરવામાં આવશે અને પોસ્ટર પણ લગાવવામાં આવશે કે આ બસમાં માર્શલ તેનાત છે. ડીટીસીની તમામ બસોમાં કેમેરા લગાવવાનું કામ આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે. ડીટીસી બસોમાં પહેલેથી જ માર્શલ તેનાત છે અને અમે પોસ્ટર પણ લગાવીશું, જેથી મહિલાઓને ખબર રહે કે બસમાં માર્શલ તેનાત છે.