Site icon Revoi.in

જેટલીનો પીએમ મોદીને પત્ર: ” સ્વાસ્થ્ય સારું નથી, નવી સરકારમાં પ્રધાન બનાવશો નહીં”

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંભવિત કેબિનેટ પ્રધાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.

આ ઘટનાક્રમ વચ્ચે અરુણ જેટલીએ પીએમ મોદીને પત્ર લખીને તેમને કેબિનેટમાં પ્રધાન નહીં બનાવવાની વાત કહી છે. જેટલીએ સ્વાસ્થ્યનો હવાલો આપતા પોતાને પ્રધાન નહીં બનાવવા માટે એક પત્ર પણ લખ્યો છે.

જેટલીએ પત્રમાં લખ્યું છે કે ગત 18 માસથી તેમની તબિયત ખરાબ ચાલી રહી છે. માટે આ વખતે મને નવી સકરારમાં કોઈ પદ આપવામાં આવે નહીં.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અને પાર્ટ ટાઈમ સંરક્ષણ પ્રધાન તરીકે પણ કામગીરી કરી ચુકેલા અરુણ જેટલીએ પોતાને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ નહીં કરવા માટે પીએમ મોદીને લખેલો પત્ર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેયર કર્યો છે.

અરુણ જેટલીએ નાણાં પ્રધાનના લેટરહેડથી લખેલા પત્ર આરોગ્યલક્ષી કારણોને ટાંકીને લખ્યું છે કે તેમને કેબિનેટમાં સામેલ કરવા પર વિચારણા કરવામાં આવે નહીં. જેટલીએ પોતાના પત્રમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે તેમના નેતૃત્વમાં દેશના વિકાસને નવા રસ્તા પર લઈ જવાનો મોકો મળ્યો. જેટલીએ પત્રમાં લખ્યું છે કે પાર્ટીમાં રહેતા મને સંગઠન સ્તરની મોટી જવાબદારી આપવામાં આવી, એનડીએની પહેલી સરકારમાં પ્રધાન પદ અને વિપક્ષમાં રહેતા મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાનો પણ મોકો મળ્યો. હું આનાથી વધારે કંઈ વધુ માગણી પણ કરી શકું નહીં.

મહત્વપૂર્ણ છે કે ગત દોઢ વર્ષથી જેટલી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેઓ કિડની સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવે છે. તેમનું કિડની પ્રત્યારોપણ પણ થઈ ગયું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ગત 18 માસથી હું આરોગ્ય સંબંધિત ઘણી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યો છું. સ્વાસ્થ્ય સ્થિતિને જોતા હું આગ્રહ કરીશ કે મને કોઈ વધારાની જવાબદારી આપવામાં આવે નહીં.

જેટલીના ખરાબ સ્વાસ્થ્યને જોતા એવી અટકળો પહેલેથી જ ચાલી રહી હતી કે આ વખતે મોદી કેબિનેટમાં તેઓ સામેલ નહીં થાય. ફેબ્રુઆરી માસમાં વચગાળાનું બજેટ પણ પિયૂષ ગોયલે જ રજૂ કર્યું હતું, કારણ કે તે સમયે જેટલી સારવાર માટે અમેરિકામાં હતા.