Site icon Revoi.in

‘જેનો ઘમંડ ઘણીવાર તૂટયો છે તેવી’ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા ‘દુર્યોધન’ જેવા ‘અહંકારી’!

Social Share

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નાના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી છે. તેની સાથે જ નરેન્દ્ર મોદીને તેમણે પોતાના શહીદ પિતા (રાજીવ ગાંધી)નું અપમાન કરનારા પણ ગણાવ્યા છે.

અહેવાલો મુજબ, મંગળવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાની પાર્ટીના ઉમેદવાર કુમારી શૈલજા માટે ચૂંટણી પ્રચારકરવા માટે હરિયાણાના અંબાલા પહોંચ્યા હતા. અહીં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે તેમણે મહાભારતના એક પ્રસંગનો ઉલ્લેખ કરીને પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે અહંકાર તો દુર્યોધનનો પણ તૂટી ગયો હતો, તો નરેન્દ્ર મોદી શું ચીજ છે. લોકસભાની આ ચૂંટણીમાં મોદીને તેમનો ઘમંડ જ લઈને ડૂબશે. તેમણે આગળ કહ્યુ છે કે દુર્યોધનને સમજાવવા માટે શ્રીકૃષ્ણ પણ ગયા હતા. પરંતુ ઘમંડને કારણે દુર્યોધને ભગવાન કૃષ્ણને બંધક બનાવવાની કોશિશ કરી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રા રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની એક કવિતા- જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ- ની પંક્તિઓ પણ બોલ્યા હતા. કોંગ્રેસ મહાસચિવે કહ્યુ હતુ કે આવું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ થયું છે. તેમનો વિવેક પણ મરી ગયો છે. માટે તેઓ મારા શહીદ પિતાની વિરુદ્ધ આવી નિવેદનબાજી કરી રહ્યા છે. મારા પરિવાર વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા મુજબ, ભારતની જનતાએ ક્યારેય કોઈપણ અહંકારીને સહન કર્યા નથી.

આના પહેલા રવિવારની ચૂંટણીસભામાં પીએમ મોદીએ બોફોર્સ તોપ સોદાના બહાને કોંગ્રેસને નિશાને લીધી હતી અને રાજીવ ગાંધીનું નામ લીધા વગર તેમને ભ્રષ્ટ નંબર-એક પણ કહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ નિવેદનની પ્રિયંકા ગાંધી વાડ્રા સહીત કોંગ્રેસના નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

પીએમ મોદી માટે કરવામાં આવેલી ટીપ્પણી પર પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવેલી તાજેતરની પ્રતિક્રિયા પર ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રિયંકા ગાંધીની આ સરખામણીને કોંગ્રેસની હતાશા ગણાવી છે. અમિત શાહે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધીને તેમના નિવેદનનો જવાબ 23 મેએ દેશની જનતા આપશે. કોંગ્રેસના લોકો કેટલો પણ અનાદર કેમ કરી લે નહીં, મોદીને લઈને દેશની જનતાનું મન બદલાવાનું નથી.