Site icon hindi.revoi.in

આપણા રાષ્ટ્રરત્નો: ગરીબીને માત આપી આત્મબળે વિશ્વવિભૂતિ બનેલા ભારતરત્ન ડૉ એ.પી જે અબ્દુલ કલામ !

The President, Dr. A.P.J. Abdul Kalam addressing the nation on the eve of 58th Republic Day, in New Delhi on January 25, 2007.

Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

“આકાશ તરફ જુઓ ..!! આપણે એકલા નથી આખું બ્રહ્માંડ આપણું મિત્ર છે અને સપના જોવા માટે તે સપના પુરા કરવા માટે આપણી મદદ કરે છે ..!! ”

આ માત્ર  શબ્દો કે સુવાક્ય નથી પણ આપણા કર્મો પ્રત્યે આપણે જાગતા જોયેલા  સપનાઓ પુરા કરવા માટેનો પ્રેરણાપુંજ છે અને આપણા આત્મઉત્થાન માટે અને આત્મજાગૃતિ માટેનો ઉર્જાસ્રોત છે અને આ વાક્ય પ્રમાણે જે જીવ્યા અને આપણા રાષ્ટ્રની કીર્તિને આકાશમાં દૈદિપ્યમાન કરી એવા આકાશીનરવીર અને વિરલ વ્યક્તિ એટલે આપણા ભારતરત્ન પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડૉ એ પી જે અબ્દુલ કલામ એમનો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવા ભારતભૂમિ થી લઈ ને આકાશની ક્ષિતિજો સુધી આજે પણ આપણને સૂર્યની જેમ પ્રેરણાસભર ઉર્જા આપતી રહે છે. ડૉ કલામ યુવાનો ને શીખવે છે કે સૂર્ય ની જેમ ચમકવા માંગતા હો તો હકારાત્મક પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને સૂર્ય ની જેમ તપો ! આવા અનેક એમના પ્રેરણા સભર વાક્યો લેખો યુવામિજાજ ને હકારનું બળ આપતા રહે છે .

ડૉ એપી જે અબ્દુલ કલામ એટલે અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એમનો જન્મ દક્ષીણ ભારત ના રામેશ્વરમ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, ના દિવસે થયો રામેશ્વરમ દક્ષિણભારત માં એમનું બાળપણ વિદ્યાર્થીકાળ  થી લઈ ને છેક ઉત્તરભારત દિલ્લીમાં રાષ્ટ્રપતિભવનમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ તરીકે માત્રને માત્ર દેશપ્રેમ અને જાતમહેનતે એમનું આપણા દેશમાં યોગદાન ખુબ પ્રેરણા આપનારું છે ડૉ કલામ એટલે આપણા દેશના સુવિખ્યાત  એરોસ્પેસ વૈજ્ઞાનિક   ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી તેઓએ આપણા દેશના રાષ્ટ્રપતિ પદને શોભાવ્યું  . તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો. રામેશ્વરમાં ના દરિયાકિનારે ઉડતા પંખીઓ ને જોઈએ ને કુતુહલ અનુભવ્યું ત્યારથી વિજ્ઞાન જાણવામાં તેઓ ઊંડાણપૂર્વક રસ લેતા થયા  તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો . એરોસ્પેસ વિષયમાં તેમની આવડત અને ફાવટ ના કારણે તેમને અમેરિકાની નાસામાં પણ આમંત્રણ મળ્યું પણ એમની જાતમહેનતે મેળવેલું જ્ઞાન એમણે રાષ્ટ્રકલ્યાણ માટે જ સમર્પિત કરવાનું નક્કી કર્યું  તેમની કારકિર્દીના શરૂઆતના ચાર દાયકા માં  તેઓ એક રાષ્ટ્રસમર્પિત વૈજ્ઞાનિક  અને વૈજ્ઞાનિક પ્રશાસકના હોદ્દા પર મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન ડી.આર.ડી.ઓ તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસના કર્યો  સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા  રહ્યા .બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના સાતત્યસભર સમર્પણ બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે આજે પણ લોકહૈયે વસેલા છે  ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવીને  દેશનું સંરક્ષણ ક્ષેત્રે નામ વિશ્વમાં બુલંદ કર્યું

દેશના અંતરિક્ષ વિજ્ઞાન માં અમૂલ્ય યોગદાન માટે તેઓને   ૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બનાવવા માં આવ્યા. તેમની જમીની  કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” પીપલ્સ પ્રેસીડેન્ટ તરીકે લોકો નો અખૂટ પ્રેમ મેળવ્યો.સવિશેષ નોંધપાત્ર વાત એ છે કે તેઓ તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન યુવાઓ રાષ્ટ્રકલ્યાણ માટે સમર્પિત ભાવે કામ કરતા થાય એ માટે માટે દેશના ખૂણે ખૂણે પ્રવાસ કરી અને યુવાઓને જગાડવાનું ભગીરથ કામ કર્યું . તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ પણ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના કર્યોમાં પુરી ઉર્જા સાથે સક્રીય રહ્યા . તેઓ એમના છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્રકલ્યાણ અને યુવા કલ્યાણ માટે સક્રિય રહ્યા ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વિદ્યાર્થીઓ ને લેક્ચર આપતી વખતે અચાનક આવેલા  હ્રદય રોગના હુમલાને કારણે  ૮૩ વર્ષની ઉંમરે એમણે આપણી વચ્ચેથી અચાનક વિદાય લીધી.

ગરીબીમાં સંઘર્ષ કરતા બાળકો અને યુવાનો માટે આપણા મિસાઈલ મેન એ શ્રેષ્ઠ પ્રેરણાસ્ત્રોત છે તેમનો પરિવાર ગરીબ હોવાથી તેઓ બાળપણમાં  પરિવારને આર્થિક મદદ કરી શકે એ  માટે તેઓ છાપા વહેંચવાનું કામ કરતા. છાપા વહેંચતો અબ્દુલ ક્યારેક દેશના રાષ્ટ્રપતિ પદને શોભાવશે એવું કોઈ એ વિચાર્યું હશે ?  પિતા જૈનુલાબ્દીન એક હોડીના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા.કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના શાળાજીવનમાં કલામ એક સામાન્ય વિદ્યાર્થી હતા પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી, ખાસ કરીને વિજ્ઞાનગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય ફાળવતા.શાળાજીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી૧૯૫૫માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો તેઓ ફાઇટર પાઇલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતા આમ દેશ ના અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઇસરોના માધ્યમથી તેમનો સમર્પણ ભાવ સતત રહ્યો ૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે આપેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા  ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી  તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો  માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે એમની મુલાકાતના માન માં ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ વિશેષ છે તેમનો  દેશપ્રેમ અને અંતરીક્ષવિજ્ઞાન માં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી આ માત્ર રાષ્ટ્રવિભૂતિ જ નહિ પણ વિશ્વવિભૂતિ છે એમણે બતાવેલા રાહ પર ડૉ કલામે  આપણા દેશ માટે જોયેલા સપના આજના યુવાઓ પુરા કરે એ જ એમણે સાચી સ્મરણાંજલિ હોઈ શકે !

Exit mobile version