Site icon Revoi.in

ગુજરાતમાં માઓવાદીઓની નાપાક હરકત આવી બહાર, ATSની સતર્કતાથી થયો પર્દાફાશ

Social Share

અમદાવાદઃ ગુજરાત ત્રાસવાદી વિરોધી દળની ટીમે તાપીમાંથી 3 માઆવોદીઓને ઝડપી લીધા હતા. ઝારખંડ અને આસપાસના રાજ્યોમાં માઓવાદીઓ સક્રીય હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે પ્રથમવાર ગુજરાતમાંથી 3 માઓવાદીઓ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ઝારખંડના આ શખ્સોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળે છે. માઓવાદીઓએ સરકારને ઉથલાવવાનું કાવતરૂ ઘડ્યું હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય સ્થાનિકોને સરકાર વિરોધ ઉશ્કેરણી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમે તાપીમાંથી ઝારખંડના 3 શખ્સોને ઝડપી લીધા હતા. એટીએસની ટીમમાં આ ત્રણેય માઓવાદીઓ હોવાનું સામે આવ્યું હતું અને તેમની પાસેથી ઉશ્કેરણીજનક સામગ્રી, લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યાં હતા. આરોપીઓના સોશિયલ મીડિયામાંથી કેટલીક ઉશ્કેરણીજનક પોસ્ટ પણ મળી આવી હતી. એટીએસની ટીમે ઝડપેલા આ માઓવાદીઓના નામ સામુ ઓરિયા, બિરસા ઓરિયા અને બબીતા કછપ હોવાનું જાણવા મળે છે. તેમજ આરોપીઓને વધુ તપાસ અર્થે અમદાવાદ લાવવામાં આવ્યાં છે. ગુજરાતમાંથી પ્રથમવાર એક બે નહીં પરંતુ ત્રણ માઓવાદીઓ ઝડપાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

આ ત્રણેય શખ્સો વર્ષ 2014થી ગુજરાતમાં રહેતા હોવાનું જાણવા મળે છે. તેમજ ઝારખંડમાં ચાલી રહેલા પથ્થલગડી આંદોલનને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝારખંડ પોલીસ વાંચ્છીતોની યાદીમાં પણ આ લોકો સામેલ હતા. આ આરોપીઓની સાથે અન્ય કોણ-કોણ સંકડાયેલું છે તેની પણ એટીએસે તપાસ શરૂ કરી છે. આ શખ્સોએ ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં સ્થાનિકોમાં પથ્થલગડી વિચારણધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કર્યા હોવાનું પણ જાણવા મળે છે. આરોપીઓએ પથ્થલગડી આંદોલનની પદ્ધતિઓ અપનાવીને સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડ્યું હોવાનું પણ જાણવા મળે છે.