Site icon hindi.revoi.in

ગુજરાતની વધુ એક હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર સફાળુ જાગ્યું, એક મહિનામાં ચાર હોસ્પિટલમાં લાગી આગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક મહિના અગાઉ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. ત્યાર બાદ છોડાઉદેપુર, જામનગરની જીજી હોસ્પિટલ અને હવે વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ આગની ઘટનાઓ વધતા તંત્ર સફાળુ જાગ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં એક મહિના અગાઉ આગની ઘટના બની હતી. જેમાં આઠ દર્દીઓ ભડથું થઈ ગયા હતા. આગની આ ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી હતી. તેમજ કેટલીક હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતા કોવિડ હોસ્પિટલ અને કોવિડ સેન્ટરમાં આગની ઘટનાઓ અટકવાનું નામ જ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ બાદ છોટાઉદેપુરના કોવિડ સેન્ટરમાં આગ લાગી હતી.

જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ત્યાર જામનગરની સૌથી મોટી મનાતી જી.જી.હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ ઘટનામાં પણ પણ મોટી દુર્ઘટના ટળી હતી. તંત્ર દ્વારા જામનગરની હોસ્પિટલમાં લાગેલી લાગની તપાસ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગની ઘટના બની હતી. ગઈકાલે બનેલી આ ઘટનામાં ત્રીજા માળે આઈસોલેશન વોર્ડમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ ગુજરાતમાં ગણતરીના દિવસોમાં જ હોસ્પિટલમાં આગની ઘટનાઓમાં થયેલા વધારેને પગલે સરકારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. તેમજ આ તમામ ઘટનાઓમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

Exit mobile version