આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાઈએસ જગનમોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારે બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ થઈ જશે. હાલ પ્રજા વેદિકામાં જ ચંદ્રાબાબુ નાયડુ રહે છે. તાજેતરમાં ચંદ્રાબાબુએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને પ્રજા વેદિકાને વિરોધ પક્ષના નેતાનું સરકારી નિવાસસ્થાન ઘોષિત કરવાની માગણી કરી હતી.
વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન. ચંદ્રાબાબુ નાયડુના અમરાવતી ખાતેના નિવાસસ્થાન પ્રજા વેદિકાને પોતાના કબજામાં લીધું હતું. ટીડીપીએ આને બદલાની કાર્યવાહી ગણાવી હતી. વિપક્ષનો આરોપ છે કે સરકારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પ્રત્યે કોઈ સદભાવના દેખાડી નથી, કારણ કે તેમના સામાનને અમરાવતીના ઉંદાવલ્લી ઘરની બહાર ફેંકવામાં આવ્યો છે.
ચંદ્રાબાબુ નાયડુ ત્યારથી કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી ખાતેના નિવાસસ્થાને રહેતા હતા, જ્યારથી આંધ્રપ્રદેશે પોતાનું પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી સ્થાનાંનતરીત કર્યું છે. હૈદરાબાદ હવે તેલંગાણાની રાજધાની બની ગયું છે. પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ ઓથોરિટી દ્વારા તત્કાલિન મુખ્યપ્રધાનના નિવાસસ્થાન તરીકે કર્યું હતું. પાંચ કરોડના ખર્ચે બનલા આ મકાનનો ઉપયોગ નાયડુ સત્તાવાર કાર્યોની સાથે જ પાર્ટીની બેઠકો માટે પણ કરતા હતા.
નાયડુએ આ મહીનાની શરૂઆતમાં જ મુખ્યપ્રધાન વાઈ. એસ. જગનમોહન રેડ્ડીને પત્ર લકીને આ માળખાનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવાની મંજૂરી માંગી હતી. તેમણે સરકારને આગ્રહ કર્યો હતો કે તેઓ આને વિરોધ પક્ષના નેતાનું નિવાસસ્થાન ઘોષિત કરી દે. પરંતુ સરકારે પ્રજા વેદિકાને કબજામાં લેવાનો શુક્રવારે નિર્ણય લીધો હતો અને ઘોષણા કરી કે કલેક્ટરોનું સંમેનલ ત્યાં થશે. પહેલા આ સંમેલન રાજ્ય સચિવાલયમાં થવાનું હતું. નાયડુ હાલ પરિવારના સદસ્યો સાથે વિદેશમાં રજાઓ ગાળી રહ્યા છે.
ટીડીપીના નેતા અને વિધાન પરિષદના સદસ્ય અશોક બાબુએ કહ્યુ છે કે સરકારી કર્મચારીઓએ નાયડુના અંગત સામાનને બહાર ફેંકી દીધો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પરિસરના કબજામાં લેવાના સરકારના નિર્ણય સંદર્ભે પાર્ટીને જણાવ્યું પણ નથી. નગરપાલિકા પ્રધાન બોત્સા સત્યનારાયણે જો કે કટાક્ષ કરતા કહ્યુ છે કે ચંદ્રાબાબુ સાથે એવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે કે જેવો વ્યવહાર જગનમોહન રેડ્ડી સાથે કરવામાં આવ્યો હતો કે જ્યારે તેઓ વિરોધ પક્ષના નેતા હતા.