નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારના ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા પર ગિરિરાજ સિંહે કટાક્ષ કરતું એક ટ્વિટ કર્યું હતું. તેને લઈને ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે ગિરિરાજ સિંહને આવી ટીપ્પણી નહીં કરવાની સલાહ આપી છે. અમિત શાહે ગિરિરાજસિંહને ફોન કરીને ચેતવણી આપી છે કે તેઓ આવા નિવેદનો આપવાથી બચે.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગિરિરાજસિંહ પર પલટવાર કરતા કહ્યુ છે કે તેઓ મીડિયાની હેડલાઈનોમાં ચમકતા રહેવા માટે આવા નિવેદનો કરતા રહે છે, જેથી મીડિયા તેમના પર ખબરો બનાવે.
મહત્વપૂર્ણ છે કે સોમવારે નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા. બાદમાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે નીતિશ કુમારને ઈફ્તારનો ફોટો શેયર કરતા કહ્યુ હતુ કે કેટલી ખૂબસૂરત તસવીર હોત જ્યારે આટલી જ ચાહતથી નવરાત્રિ પર ફળાહારનું આયોજન કરતા અને સુંદર-સુંદર ફોટો આવતા. આપણે આપણા કર્મ, ધર્માં કેમ પાછળ રહી જઈ છીએ અને દેખાડામાં કેમ આગળ રહીએ છીએ?