Site icon Revoi.in

મમતા બેનર્જીને અમિત શાહનો ટોણો: ‘તમારે આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કરવું હોય તો કરો’

Social Share

પશ્ચિમ બંગાળમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો દાવો કરીને ભારતીય જનતા પાર્ટી સતત તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટાર્ગેટ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સીધી રીતે મમતા બેનર્જીને પડકારી રહ્યા છે. હવે અમિત શાહે આતંકવાદનો મુદ્દો ઉઠાવીને મમતાને ઘેર્યા છે અને કહ્યું કે મમતા દીદી તમારે આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કરવું હોય તો કરો.

બંગાળના બીરભૂમમાં મમતા બેનર્જી પર આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કરવાનો આરોપ લગાવીને અમિત શાહે પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “જે આપણા 40 જવાનોને મારી નાખે, તેમની સાથે વાતચીત કરવી જોઈએ કે પછી બોમ્બ ફેંકવો જોઈએ? શું કરવું જોઈએ? મમતા દીદી તમારે આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કરવું હોય તો કરો. આ બીજેપીની સરકાર છે, પાકિસ્તાનથી ગોળી આવશે, અહીંયાથી ગોળા આવશે.”

આ રીતે આતંકવાદના મુદ્દે એક વાર ફરી બીજેપીએ મમતા દીદીને ઘેર્યા છે. જ્યારે મમતા પુલવામા હુમલાને લઈને મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં 40 જવાનોની શહાદતનો હવાલો આપીને મમતા બેનર્જીએ મોદી સરકાર પર જવાનોની હત્યા પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ મમતાએ કહ્યું હતું કે મોદી સરકારને પુલવામા હુમલાની સંપૂર્ણ જાણકારી હતી, તે છતાંપણ જવાનોને બચાવવામાં ન આવ્યા. હવે બીજેપી આતંકવાદના મુદ્દે તેમને ઘેરી રહી છે.