નવી દિલ્હી: અમિત શાહે કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે શનિવારે પદભાર ગ્રહણ કરતાની સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીનો ક્લાસ લીધો છે. કિશન રેડ્ડીએ શનિવારે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કરતા હૈદરાબાદને આતંકવાદીઓનું સેફ ટેરર ઝોન ગણાવી દીધું હતું.
કિશન રેડ્ડીએ હૈદરાબાદને સેફ ટેરર ઝોન ગણાવતા એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કિશન રેડ્ડીને આડે હાથ લેતા ભાજપ પર તેલંગાણામાં કોમવાદી સૌહાર્દને બગાડવાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલે અમિત શાહે કિશન રેડ્ડીને આવા બેજવાબદાર નિવેદનોથી બચવાની સલાહ પણ આપી છે.
મહત્વપૂર્ણ છે કે કિશન રેડ્ડીએ એક અંગ્રેજી ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે હૈદરાબાદ આતંકવાદીઓ માટે સેફ ઝોન બની ગયું છે. એનઆઈએના દરોડામાં જ્યારે પણ કોઈ આતંકવાદી ઝડપાય છે, તો તેનો સંબંધ હૈદરાબાદ સાથે જ નીકળે છે. તેમ છતાં પણ તેલંગાણા સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કંઈપણ કરી રહી નથી. આ નિવેદન બાદ ઓવૈસીએ જી. કિશન રેડ્ડીની ઝાટકણી કાઢી હતી.
આ મામલે રાજકારણનો પારો વધતો જોતા ગૃહ પ્રધાન અમિત શાહે જી. કિશન રેડ્ડીને પોતાની ઓફિસમાં તલબ કર્યા અને આકરો ઠપકો આપ્યો હતો. તેની સાથે સલાહ પણ આપી હતી કે ભવિષ્યમાં આવા બેજવાબદાર નિવેદનોથી બચવામાં આવે.