આખરે અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીના લાલકૃષ્ણ અડવાણી બની જ ગયા. જો કે તેના માટે અમિત શાહને સંગઠનમાં પોતાની શક્તિને સાબિત કરવાની સાથે આના માટે પાંચ વર્ષની રાહ પણ જોવી પડી છે. જો કે હવે ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહના સિરે મોદી સરકારના રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા એજન્ડાને આગામી સમયમાં આખરી ઓપ આપવાની જવાબદારી છે.
જો અમિત શાહ રાષ્ટ્રવાદી મુદ્દા અનુચ્છેદ-35એ અને અનુચ્છેદ-370ની નાબૂદી, નાગરિકતા સંશોધન બિલ, રામમંદિર અને કાશ્મીરી પંડિતોની ઘરવાપસી જેવા મામલા ઉકેલી શકશે, તો તેમનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય રાજનીતિના ક્ષિતિજ પર પણ છવાઈ જશે. આ તમામ એજન્ડા હાલની મોદી સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાં પણ સામેલ છે.
અમિત શાહે ભાજપના સંગઠનિક માળખા પર પોતાની અમિટ છાપ છોડયા બાદ પોતાની પ્રશાસનિક ક્ષમતાઓ સાબિત કરવાની તકને પણ સુપેરે સાંપડી છે. જેના કારણે સરકારમાં સામેલ થવાની સ્થિતિમાં તેમની પહેલી પસંદ ગૃહ મંત્રાલય હતી.
રાષ્ટ્રવાદની સાથે જોડાયેલા મુદ્દા પર પાર્ટી અને સરકારે મોટામોટા વાયદા કર્યા છે. તેવામાં આ બીજા કાર્યકાળમાં આ મુદ્દાઓનું રાજકીય મહત્વ વધ્યું છે. જો કે આ મુદ્દાઓને આખરી ઓપ આપવા માટે અમિત શાહને રાજ્યસભામાં બહુમતી મેળવવાનો ઈન્તજાર છે અને તેની સાથે તેમણે સાથીપક્ષોને પણ આના માટે રાજી કરવા પડશે.
મહત્વપૂર્ણ છે કે નાગરિકતા સંશોધન બિલ, અનુચ્છેદ-35એ અને અનુચ્છેદ-370 પર પાર્ટીના સાથીપક્ષોનું વલણ ભાજપથી અલગ છે.
અમિત શાહ પોતાના આ અભિયાનની શરૂઆત કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં ઘરવાપસીથી કરે તેવી શક્યતા છે. પહેલા કાર્યકાળમાં આના સંદર્ભે સરકાર માત્ર રૂપરેખા જ તૈયાર કરી શકી હતી. તેની સાથે જ અમિત શાહ અનુચ્છેદ-35એનાં મામલાના સમાધાન માટે આગળ વધે તેવી શક્યતા છે.
ભાજપ જ્યારે પહેલીવાર 1998માં સત્તામાં આવી હતી, ત્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લખનૌથી અને લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ હતા. અટલ-અડવાણીની આ જોડી 2004 સુધી સત્તા રહેવા સુધી યથાવત રહી હતી.
જો કે બીજા કાર્યકાળના આખરમાં અડવાણી નાયબ વડાપ્રધાન બન્યા હતા. તેમની પાસે ગૃહ મંત્રાલય પણ હતું. તેવી રીતે પીએમ મોદી હાલ યુપીની વારાણસી લોકસભા બેઠક પરથી સાંસદ છે, જ્યારે અમિત શાહ અડવાણીની બેઠક રહેલી ગાંધીનગરથી સાંસદ છે. જો કે આના પહેલા ગુજરાતમાં પણ મોદી-શાહની જોડી મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાનની ભૂમિકા નિભાવી ચુકી છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સરકારનું અંગ બન્યા બાદ અમિત શાહની નજર 2026 પર છે. ભાજપમાં પ્રધાન અથવા સંગઠનનું પદ મેળવવા માટેની વયમર્યાદા 75 વર્ષ સુધી મર્યાદીત છે. તેવામાં જો પીએમ મોદી સતત ત્રીજી ચૂંટણી જીતી જશે, તો 2026માં તેઓ પદ છોડી દેશે. તે વખતે જો અમિત શાહ પોતાની પ્રશાસનિક ક્ષમતાઓને સાબિત કરી શકશે અને રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા મામલાઓને ઉકેલશે તો તેમનું કદ મોટું થઈ જશે.
અમિત શાહના ગૃહ પ્રધાન બનવા સંદર્ભેની અટકળબાજીઓ મતગણતરીના બીજા દિવસથી જ શરૂ થઈ ગઈ હતી. તે વખતે આરએસએસના વરિષ્ઠ નેતાઓની ભાજપના ટોચના નેતૃત્વ સાથે સતત ઘણાં તબક્કાની વાતચીત થઈ હતી. સંઘ શરૂઆતમાં રાજનાથસિંહને ગૃહ પ્રધાન પદે યથાવત રાખવા માંગતું હતું. પરંતુ ગુરુવારે અમિત શાહને ગૃહ મંત્રાલયનો કાર્યભાર આપવા માટે સંમતિ સધાઈ હતી.