Site icon Revoi.in

હું જય શ્રીરામ બોલીને કોલકાતા આવું છું, મમતામાં હિંમત હોય તો મારી ધરપકડ કરે: બંગાળમાં અમિત શાહ

Social Share

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે પશ્ચિમ બંગાળના જોયનગરમાં જનસભા કરી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. શાહે કહ્યું, ‘મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ ન બોલી શકાય. હું આ મંચ પરથી જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જવાનો છું. મમતા દીદી હિંમત હોય તો ધરપકડ કરી લેજો.’ શાહની બંગાળમાં આજે ત્રણ રેલીઓ થવાની હતી, પરંતુ મમતા સરકારે અમિત શાહને જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે તૃણમૂલ સરકારે પાર્ટી અધ્યક્ષના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. તેના કારણે રેલી રદ કરવી પડી.

જાધવપુરમાં રેલી રદ થવા પર શાહે કહ્યું- મારી અહીંયા ત્રણ રેલીઓ થવાની હતી. જયનગરમાં તો આવી ગયો પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી. ત્યાં અમારા જવાથી મમતાજી ડરે છે કે ભાજપવાળા ભેગા થશે તો ભત્રીજાનો તખતો પલટાઈ જશે. એટલે તેમણે સભાની પરવાનગી ન આપી.

શાહે કહ્યું, બંગાળની જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે 23થી વધુ સીટ્સ અમારા નેતા મોદીજીની ઝોળીમાં નાખવી. મમતા દીદીના રાજમાં દુર્ગાપૂજાની પરવાનગી નથી મળતી, સરસ્વતી પૂજા કરે તો તેમના ગુંડા મારપીટ કરે છે. 23 મેના રોજ જે મતગણના થવાની છે, તે પહેલા 19મેના રોજ મમતાનો તખ્તપલટો કરી નાખો. હું ખાતરી આપું છું કે ભાજપ અહીંયા એવો માહોલ બનાવશે કે આખા બંગાળમાં શાનની સાથે ફરી દુર્ગાપૂજા થઈ શકશે.

ભાજપ સાંસદ અનિલ બલૂનીએ કહ્યું કે ચૂંટણીપંચ તૃણમૂલ સરકારના અલોકતાંત્રિક નિર્ણયોને લઇને મૂક દર્શક બનીને બેઠું છે. ભાજપ રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે. 19મેના રોજ છેલ્લા તબક્કામાં બંગાળની 9 લોકસભા સીટ્સ પર મતદાન થવાનું છે.

મમતા સરકારે લોકસભા ચૂંટણીપ્રચાર અભિયાન માટે ભાજપની રથયાત્રાની મંજૂરી નહોતી આપી. આ માટે બંને પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી.