Site icon hindi.revoi.in

અમેઠીના ‘આકાશમાં પથ્થર ઉછાળી કાણું પાડી’ વંશવાદને કરાયો વિદાય, સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીની હાર

Social Share

2019ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટી ઘટના અમેઠીમાંથી વંશવાદની વિદાય છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 2014ની લોકસભાની હારનો બદલો 2019માં રાહુલ ગાંધીને હરાવીને લીધો છે. અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 30 હજાર જેટલા વોટથી હાર આપી છે. અમેઠીમાં કોંગ્રેસ ત્રણ દશકાઓમાં 1998ને બાદ કરતા એકપણ વખત હારી નથી.

આ બેઠક પર ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ ચૂંટણી લડીને જીત મેળવી ચુક્યા છે. એક રીતે અમેઠીની લોકસભા બેઠક કોંગ્રેસના ગાંધી-નહેરુ પરિવારની સાથે જોડાયેલી બેઠક ગણાતી હતી.

2019ની લોકસભા બેઠક પર રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હું જનાદેશનો આદર કરું છું અને સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવું છું.

રાહુલ ગાંધી 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં અમેઠી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીની રાહુલ ગાંધી સામે એક લાખ કરતા વધારે વોટની સરસાઈથી હાર થઈ હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડયા હતા. વાયનાડમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સાડા સાત લાખથી વધારે વોટથી જીત મળી છે.

પરંતુ વાયનાડની જંગી જીતને પણ અમેઠીમાં રાહુલ ગાંધીની હારે ઝાંખી પાડી દીધી છે. એક અંગ્રેજી અખબારે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે રાહુલ ગાંધી વાયનાડ અને અમેઠીમાંથી ચૂંટણી જીતશે, તો તેવી સ્થિતિમાં રાહુલ ગાંધી અમેઠીની બેઠક ખાલી કરશે અને પ્રિયંકા ગાંધી અહીંથી પેટાચૂંટણી લડશે.

પરંતુ વાયનાડથી ચૂંટણી લડ઼વાના નિર્ણયને અમેઠીમાં રાહુલ ગાંધીની સ્મૃતિ ઈરાની સામે નબળી સ્થિતિ સાથે જોડીને ઘણી ચર્ચાઓ મતદાન પહેલા થઈ હતી. 2019ની ચૂંટણીના પરિણામોમાં આ તમામ ચર્ચાઓ સાચી સાબિત થતી દેખાય રહી છે.

અમેઠી પર જીત બાદ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું છે કે કૌન કહેતા હૈ, આસમાં મેં સુરાખ નહીં હો શકતા.

અમેઠીમાં રાહુલ ગાંધીની હારનો મતલબ-

અમેઠીની પરંપરાગત બેઠક પરથી રાહુલ ગાંધીની હારનો મતલબ છે, હિંદુસ્તાન બદલાય રહ્યું છે અને વંશવાદને દેશવટો આપવાની તૈયારીમાં છે. ભારતની રાજનીતિમાં વંશવાદના પ્રતીક બની ચુકેલા ગાંધી-નહેરુ પરિવારના ‘રાજકુમાર’ની હાર આવી રાજનીતિની ઉલ્ટી ગણતરીને દર્શાવે છે.

હિંદુસ્તાનના બદલાય રહેલા સ્વભાવ સાથે કોંગ્રેસે પણ પરિવર્તન આણવું પડશે અને કોંગ્રેસે ખુદને વંશવાદી ચુંગલમાંથી મુક્ત કરવી પડશે. મધ્યપ્રદેશના ગ્વાલિયરથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને બીજા કોંગ્રેસી નેતાઓના પુત્રોની હાર પણ આવા જ સંકેત આપે છે કે કોંગ્રેસને સેન્ટર રાઈટ પાર્ટી તરીકે વંશવાદથી મુક્ત કરીને નવા નેતાઓને આગળ કરવાનો સમય પાકી ગયો છે. ભારતના લગભગ 16 રાજ્યોમાં કોંગ્રેસ લગભગ ભૂંસાઈ ચુકી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ વંશવાદથી મુક્ત બને, તો તેના નવચેતનના થોડાઘણાં સંજોગો ઉભા થવાની સંભાવના આગળ ઉભી થઈ શકે છે.

ભારતની ભાવનાઓ વિરુદ્ધ બોલવું, ભારતના લોકોના આત્માની વિરુદ્ધ બોલવું અને ભારતની સેનાના શૌર્ય સામે સવાલ ઉભો કરવો, પાયાવિહોણા આક્ષેપો પોતાના પરિવાર સામેના આક્ષેપોના બચાવમાં કરવા પણ અમેઠીના લોકો ચલાવવા માંગતા નથી અને ભારતમાં કોંગ્રેસની હાર માટે પણ આવા જ કારણો જવાબદાર છે.

જમાઈરાજા રોબર્ટ વાડ્રાની સામેના ભ્રષ્ટાચારના આરોપો ભવ્ય પારિવારીક પૃષ્ઠભૂમિથી ઢાંકી શકાય તેમ નથી.

ભારતની નાગરીકતા હોય કે ધાર્મિક ઓળખ હોય તેના સંદર્ભેની ઉભી થયેલી શંકા-કુશંકા ભલે સાબિત થઈ શકી હોય નહીં, પણ તેના સંદર્ભે કોઈ સ્પષ્ટીકરણ નહીં આપવું પણ પબ્લિક સેન્ટિમેન્ટને ઘાયલ કરી શકે છે, તે અમેઠીના પરિણામો દર્શાવી રહ્યા છે.

સંગઠનાત્મક માળખાની ગેરહાજરીમાં  હિંદી બેલ્ટ ખાસ કરીને યુપીમાં કોંગ્રેસને બેઠા થવા માટેની કોઈ સંભાવના દૂર-દૂર સુધી દેખાતી નથી.

અમેઠીની સાથે વાયનાડમાંથી ચૂંટણી લડવી એક રીતે પરંપરાગત વોટરોના અનાદર જેવી બાબત પણ હતી અને તેને અમેઠીની જનતાએ ચલાવી નથી. અમેઠીના લોકો પર રાહુલ ગાંધીનો વિશ્વાસ ડગ્યો અને તેનો પ્રતિસાદ રાહુલ ગાંધીની હારથી સામે આવ્યો છે.

અમેઠીમાં હારની સાથે યુપીની જનતાની સાથેનું રાહુલ ગાંધીનું અંતર વધી ગયું છે અને તેની અસર 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ યથાવત રહેશે.

રાહુલ ગાંધી જનતા વચ્ચે રાજનેતા તરીકે અસ્વીકાર્ય હોવાનો ચુકાદો પણ અમેઠીના પરિણામોમાં દેખાઈ રહ્યો છે. જે બેઠક પર ત્રણ ટર્મ સુધી સાંસદ રહ્યા છે, તે રાહુલ ગાંધી સામેની એન્ટિ ઈન્કમ્બન્સી તેમણે મતવિસ્તાર માટે કરેલા કામ સામે લોકોના અસંતોષને પણ પ્રતિબિંબિત કરે છે.

Exit mobile version