Site icon Revoi.in

અમેરિકાની ઇરાનને ચેતવણી: દરેક હુમલાનો નિર્ણાયક જવાબ આપીશું

Social Share

અમેરિકાએ ઇરાનને ચેતવણી આપી છે કે જો તેઓ અથવા તેમના તરફથી કોઈ અન્ય અમેરિકન હિતો અથવા નાગરિકો પર કોઈપણ પ્રકારનો હુમલો કરે છે તો તેનો ત્વરિત અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ એક નિવેદનમાં આ વાત કરી છે.

તેમણે કહ્યું, ‘ઇરાને અમારા સંયમને સંકલ્પની ઉણપ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. અત્યાર સુધી ઇરાની શાસને હિંસાનો વિકલ્પ પસંદ કર્યો છે અને અમે તેહરાનના લોકોને શાસનનો આ વ્યવહાર બદલવાની અપીલ કરીએ છીએ જે તણાવ ઓછો કરીને સમૃદ્ધ ભવિષ્યની રાહ જુએ છે.’ પોમ્પિયોએ અમેરિકન રાષ્ટ્રપતિના તે નિવેદનનો ઉલ્લેખ કરીને આ વાત કરી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ એક દિવસ ઇરાની નેતાઓની સાથે મીટિંગ કરવા માંગતા હતા જેથી કોઈ કરાર કરી શકાય.

અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેના કરતા પણ જરૂરી એ છે કે ઇરાન જે ભવિષ્યનું હકદાર છે, તેને તે આપવાની દિશામાં પગલાં માંડી શકાય. પોમ્પિયોએ આરોપ લગાવ્યો કે ઇરાને તાજેતરના અઠવાડિયામાં પોતાના નિર્ણયો અને નિવેદનોથી તણાવમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા અને તેમના સહયોગીઓનું વલણ સ્પષ્ટ છે, અમે યુદ્ધ નથી ઇચ્છતા.

તેમણે કહ્યું, ’40 વર્ષોથી અમેરિકન જવાનોની હત્યા, અમેરિકન કેન્દ્રો પર હુમલો અને અમેરિકન્સને બંદી બનાવવા એ વાતની સતત યાદ અપાવે છે કે અમારે અમારી રક્ષા માટે પગલાં ભરવા જ પડશે.’