નવી દિલ્હી: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શુક્રવારે કહ્યુ છે કે 17મી જૂને આખા દેશમાં ડૉક્ટર હડતાળ કરશે. આ દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ છે કે અમે હોસ્પિટલોમાં તબીબોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકત્તાના મેડીકલ સ્ટૂડન્ટ્સ બેહદ ડરેલા છે, સડકો પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે આવે, અમે ઈચ્છીએ છીએ કે કોલકત્તામાં થયેલી હિંસાના આરોપીઓને સજા થાય, અમે ઈચ્છીએ છીએ કે હોસ્પિટલોમાં હિંસા વિરુદ્ધ કેન્દ્રીય કાયદો લાગુ થાય, અમે ઘોષણા કરીએ છીએ કે 17મી જૂને આખા દેશમાં હડતાળ કરવામાં આવશે, અને તે વખતે માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, ડૉક્ટરોની હડતાળ શનિવારે પણ ચાલુ રહેશે.
આઈએમએના સેક્રેટરીએ કહ્યુ છે કે 17 જૂને અમે ડોક્ટરોની દેશવ્યાપી હડતાળ બોલાવી છે. આ હડતાળમાં પ્રાઈવેટ હોસ્પિટલ પણ સામેલ હશે. ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ સામાન્ય છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી સુરક્ષા માટે કાયદો લાગુ થાય.
તેમણે કહ્યુ છે કે 19 રાજ્યોમાં સેન્ટ્રલ એક્ટ અગેન્સ્ટ વાયલન્સ ઈન હોસ્પિટલ્સ પાસ થઈ ચુક્યો છે, પરંતુ એક રાજ્યે આ કાયદો લાગુ કર્યો નથી. અમને ખબર છે કે દર્દી બંધથી પરેશાન થશે, પરંતુ અમારી સુરક્ષા પણ જરૂરી છે. માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 17મી તારીખે સવારે છ વાગ્યાથી 18મી તારીખે સવારે છ વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે કોલકત્તામાં સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો પર થયેલા હુમલા બાદ હડતાળે દેશભરના ડૉક્ટર એકજૂટ થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દિલ્હી, મુંબઈથી લઈને રાજસ્થાન, કેરળ, છત્તીસગઢ સહીત ઘણાં રાજ્યોમાં ડોક્ટર હવે એક થતા દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે ડૉક્ટરોને તેઓ ધમકાવી રહ્યા છે. તેમણે હડતાળને સમાપ્ત કરાવવા માટે પગલા ઉઠાવવા જોઈએ. ડૉ. હર્ષવર્ધન આજે મમતા બેનર્જીને પત્ર લખશે અને ડૉક્ટરોની હડતાળને સમાપ્ત કરવાની અપીલ કરશે.
તો બીજી તરફ પ. બંગાળની બે અલગ-અલગ હોસ્પિટલના કુલ 43 ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. નોર્થ બંગાળ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાર્જિલિંગના 27 અને આરજી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ- કોલકત્તાના 16 ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે.