નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ સોમવારે પંજાબના ભટિંડાની નજીક મિસિંગ મેન પોર્મેશનમાં ઉડાણ ભરીને કારગીલ યુદ્ધમાં વીસ વર્ષ પહેલા શહીદ થયેલા સ્ક્વોર્ડન લીડર અજય આહુજાને શ્રદ્ધાંજલિ આપી છે. સ્ક્વોર્ડન લીડર અજય આહુજાને કારગીલ યુદ્ધ દરમિયાન પોતાના અદમ્ય સાહસ માટે મરણોપરાંત વીરચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ કહ્યુ છે કે 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની (પાકિસ્તાન) પાસે ક્ષમતા ન હતી. બાદમાં તેમણે પોતાની ટેક્નોલોજીને અપગ્રેડ કરી લીધી હતી. પરંતુ રફાલના આવતા જ આપણું પલડું ભારે તઈ જશે.
ભટિંડાના બહારી વિસ્તાર ભિસિયાના એરબેસથી ઉડાણ ભરીને મિસિંગ મેન આકૃતિ બનાવવામાં આવી હતી. જેમાં એર માર્શલ આર. નામ્બિયારે પણ ભાગ લીધો હતો.
કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના એક યુદ્ધવિમાનને તોડી પાડયું હતું. આ યુદ્ધવિમાનને સ્ક્વોર્ડન લીડર આહુજા ઉડાડી રહ્યા હતા. એરક્રાફ્ટ ક્રેશ થતા આહુજા પેરાશૂટ દ્વારા નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે 27 મે, 1999ના રોજ પાકિસ્તાની સૈનિકોએ તેમની નિર્મમતાપૂર્વક હત્યા કરી દીધી હતી.