અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી મનપા દ્વારા એગ્રેસિવ ટેસ્ટીંગ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેથી શહેરના વિવિધ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ શોધી શકાય. શહેરના પશ્વિમ વિસ્તારમાં આજે મનપાની 200થી વધારે ટીમ મારફતે ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમવા લાગ્યાં છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા સઘન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના બોડકદેવ સહિતના વિસ્તારમાં 135 જેટલી ટીમ દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં મનપા દ્વારા ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસમાં શહેરમાં લગભગ 10 હજાર જેટલા ટેસ્ટીંગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આવી જ રીતે ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા 125 ટીમ ઉતારવામાં આવી છે. ગોતા, ચાંદલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 29 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 87 હજારથી વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. રાજ્યમાં હાલ 16 હજાર જેટલા દર્દીઓ કોરનાની સારવાર લઈ રહ્યાં છે.