લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ભાજપે જશ્નની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થવા લાગ્યા છે. અહીં પૂજા પણ શરૂ કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે જો પરિણામ ભાજપના પક્ષમાં આવશે, તો સાંજે ખુદ વડાપ્રધાન મોદી ભાજપના કાર્યાલય ખાતે પહોંચશે. આ સિવાય ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની પણ આશા છે.
દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને જીત બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યુ છે કે વીસથી બાવીસ હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય ખતાતે પહોંચશે. સાંજે જીતની ઉજવણી કરવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી આવશે.
એક્ઝિટ પોલથી ઉત્સાહીત ભાજપના કાર્યકર્તાઓએ પરિણામ પહેલા કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કામરુપ સુધી ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મોડી રાત્રે જ લાડુ બનાવવાનું શરૂ કરવામા આવ્યું હતું. ગુજરાતનું નવસારી હોય કે બિહારનુ ગયા, યુપીમાં મિર્ઝાપુર હોય કે રાજસ્થાનના ભરતપુર ભાજપના કાર્યકર્તાઓનો જોશ આસમાનને આંબી રહ્યો છે. દિલ્હીમાં ખાસ કરીને કમળ છાપ કાજૂ-પિસ્તાની મિઠાઈ બનાવવામાં આવી છે.
વારાણસીથી પીએમ મોદી, ગાંધીનગરથી અમિત શાહ, લખનૌથી રાજનાથસિંહ, પટનાસાહિબથી રવિશંકર પ્રસાદ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, સુલ્તાનપુરથી મેનકા ગાંધી અને પૂર્વ ચંપારણથી રાધામોહન સિંહ ચૂંટણી મેદાનમાં છે.
ભાજપના સાથીપક્ષો પણ મોટી જીતની આશા લગાવીને બેઠા છે. મોદી સરકારમાં અકાલી દળના હરસિમરત કૌર બાદલ, અપના દળના અનુપ્રિયા પટેલ અને શિવસેનાના અનંત ગીતેની કિસ્મતનો પણ નિર્ણય થવાનો છે. લોકોએ ઈવીએમ દ્વારા પોતાનો ચુકાદો આપી દીધો છે. હવે મતગણતરી બાદ પરિણામોની રાહ જોવાઈ રહી છે.