Site icon hindi.revoi.in

રફાલ: રાજનાથસિંહની શસ્ત્રપૂજા પર વિવાદ, જહાજના જળાવતરણ વખતનો નહેરુનો જૂનો વીડિયો થયો વાઈરલ

Social Share

ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શસ્ત્રપૂજાને લઈને રાજકીય ધમાસાણ થયું છે. કોંગ્રેસ દ્વારા યુદ્ધવિમાનની પૂજાને તમાશો ગણાવાયા બાદ ભાજપ તરફથી આ વાતને લઈને આકરો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર ભારતીય પરંપરાના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ ફ્રાંસમાં શસ્ત્રપૂજાને તમાશો ગણાવતા કહ્યુ હતુ કે આવા ડ્રામા કરવાની જરૂરત જ ન હતી. જો કે ખડગેના આ નિવેદન પર કોંગ્રેસમાં એકમત નથી. મહારાષ્ટ્રમાં ટિકિટ નહીં મળવાથી નારાજ ચાલી રહેલા મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સંજય નિરૂપમે ખડગેને નાસ્તિક ગણાવી દીધા છે.

નિરુપમે કહ્યુ છે કે આપણા દેશમાં શસ્ત્રપૂજાની પરંપરા છે. ખડગે નાસ્તિક છે, માટે આવી વાત કરી રહ્યા છે. તો બાજપના અધ્યક્ષ અમિત શાહે ખડગેના નિવેદન પર પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યુ છે કે હમણા મને ખબર પડી છે કે કોંગ્રેસના ખડગે સાહેબે નિવેદન આપ્યું છે કે રફાલની શસ્ત્રપૂજાનો તમાશો કરવાની ક્યાં જરૂરત હતી? પરંતુ આમા તેમનો દોષ નથી, કારણ કે ઈટાલીની સંસ્કૃતિની વધારે જાણકારી છે, ભારતની સંસ્કૃતિની જાણકારી નથી.

બંને પક્ષો વચ્ચે જુબાની જંગ વચ્ચે સોશયલ મીડિયા પર એક જૂનો વીડિયો સામે આવ્યો છે. 1948નો ગણાવામાં આવતો વીડિયો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો છે. નહેરુ એક જહાજના જળાવતરણના પ્રસંગે પૂજા કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોની કોમેન્ટ્રીમાં જણાવવામાં આવે છે કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નારિયેળ ફોડીને જહાજને પાણીમાં ઉતારવાની રસમ પુરી કરી રહ્યા છે. આ વીડિયોને સૈયદ અતહર દેહલવીએ 14 માર્ચ – 2018ના રોજ ટ્વિટ કર્યો છે.

દેહલવીનો દાવો છે કે આ વીડિયો 14 માર્ચ-1948નો છે. વીડિયોમાં આઝાદ ભારતના પહેલા જહાજ જળ ઉષાને વૈદિક મંત્રોચ્ચાર સાથે હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવ્યું હતું. વીડિયોમાં પંડિત નહેરુ પણ મંત્રોચ્ચાર કરતા દેખાઈ રહ્યા છે. સૈયદ અતહર દેહલવીએ બુધવારે પોતાના જૂના ટ્વિટને રિટ્વિટ કર્યુ છે. રફાલની પૂજા પર છેડાયેલા વિવાદ પર અતહરે લખ્યું કે રાજનાથસિંહે ફ્રાંસમાં જઈને આમા કંઈપણ નવું કર્યું નથી.

Exit mobile version