અમદાવાદ: જારખંડના ધનબાદ શહેરમાં રહેતા ફુટબોલપ્રેમી યુવકને અદાણી સ્પોર્ટસ લાઈનની ટીમે ફિલ્ડ મેન્ટેનન્સ ઓફિસર તરીકેની નોકરી આપી છે. યુવકનું નામ અમીતકુમાર મહાતો છે જેને ફુટબોલ પ્રત્યેની લાગણી અને ઈચ્છા અમદાવાદ ખેંચી લાવી.
અમિતકુમાર મહાતો વિશે જો વાત કરવામાં આવે તો તેમને ફૂટબોલ પ્રત્યે અનહદ પ્રેમ છે અને આજીવિકાની શોધમાં અને ફૂટબોલનું સારું કોચિંગ મેળવવાની તીવ્ર ઇચ્છા તેને પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર ખેંચી લાવી. શરૂઆતના દિવસોમાં મુશ્કેલીઓનો ઘણો સામનો કર્યો અને તે દિવસોમાં તેઓ આઠ વ્યક્તિઓ સાથે સહિયારા ઘરમાં રહેતો હતા. અમદાવાદમાં શરૂઆતના દિવસોમાં રેલ્વે સ્ટેશન પર જ રહેવાની ફરજ પડી હતી.
ફૂટબોલ શીખવા માટે કોચિંગના ખર્ચને પહોંચી વળવા દિવસ દરમિયાન અમિત ઇયરફોન વેચતો હતો અને સાંજે ફૂટબોલ મેદાન પર જતો. આમાં તેને મહિને 5000 રૂપિયાની આવક થવા લાગી. જેમાંથી થોડી રકમ તે પોતાના પરિવારને મોકલીને ટેકારૂપ પણ બનતો હતો. ફૂટબોલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સમર્પણતા તેના કોચના ધ્યાનમાં આવતાં કોચે તેની કોચિંગની ફી માફ કરી દીધી હતી. તેના સાથીદાર મિત્રોએ તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂટબોલ માટેના બૂટ અને બીજાં સંરક્ષણાત્મક સાધનો આપીને તેની મદદ કરી.
અમિતકુમાર મહાતોની ફુટબોલ પ્રત્યે ધગશ એટલી હતી કે અદાણી શાંતિગ્રામ ખાતેના અદાણી સ્પોર્ટ્સલાઇન ફૂટબોલ મેદાન પર કોચિંગ મેળવવા જવાનું એણે સતત ચાલુ રાખ્યું હતું. ત્યાંના મેનેજમેન્ટને એક દિવસ અમિતકુમારની સંઘર્ષગાથા ધ્યાનમાં આવી.
તેની રમત પ્રત્યેની સમર્પિતતા અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે અદાણી સ્પોર્ટ્સલાઇન ટીમે તેની કોચિંગ ફી માફ કરી દીધી એટલું જ નહીં, પણ તેને ફિલ્ડ મેન્ટેનન્સ ઓફિસર તરીકેની નોકરી આપીને તેને નવાજવામાં આવ્યો.