Site icon Revoi.in

ચૂંટણી 2019: સ્વરા ભાસ્કરે દિગ્વિજયસિંહને ગણાવ્યા શ્રેષ્ઠ ઉમેદવાર, પ્રજ્ઞા પર કહ્યું- ભગવો પહેરવાથી કોઈ સાધ્વી ન બની જાય

Social Share

ભોપાલમાં યુવાનો સાથે સંવાદ કરવા પહોંચેલી બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે અહીંયા બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર જબરદસ્ત નિશાન સાધ્યું છે. સ્વરાએ પ્રજ્ઞા પર સીધું નિશાન તાકતા કહ્યું કે તેમને ઢોંગીઓથી ડર નથી લાગતો. તેમને નથી લાગતું કે ભગવો પહેરવાથી કંઇ ખાસ શક્તિ આવી જાય. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહને વધુ સારા ઉમેદવાર પણ ગણાવ્યા.

ભોપાલમાં મીડિયા સાથે વાતચીતમાં સ્વરા ભાસ્કરે કહ્યું, “ભાજપે પ્રજ્ઞા ઠાકુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, આ શરમજનક બાબત છે. તે ભગવા વસ્ત્રો પહેરીને હિંદુ ધર્મનું અપમાન કરી રહી છે. પ્રજ્ઞા ઠાકુર હિંદુ છે અને તેમના પર આતંકવાદનો આરોપ લાગેલો છે. હું એટલે તેમને હિંદુ આતંકવાદના આરોપી માનું છું.” જ્યારે સ્વરાને પૂછવામાં આવ્યું કે પ્રજ્ઞા ઠાકુરની વિરુદ્ધ બોલવા પર એ તમને શ્રાપ ન આપી દે, તો તેના જવાબમાં સ્વરાએ કહ્યું, “મને ઢોંગીઓથી ડર નથી લાગતો. મને નથી લાગતું કે ભગવો ધારણ કરવાથી તમારામાં કોઈ ખાસ શક્તિ આવી જાય છે. આ તો હિંદુ ધર્મ અને શ્રદ્ધા સાથે ચેડાં છે. એટલે એક હિંદુ હોવાને કારણે ખરાબ લાગે છે કે આ ધર્મનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.”

સ્વરાએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ ભોપાલથી એક સારા ઉમેદવાર છે અને તેમાં કોઈ શંકા નથી. તેણે કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપતા કહ્યું, “કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દેશના દરેક વર્ગ માટે વિઝન છે.” પીએમના રૂપમાં મોદી કે રાહુલના સવાલ પર તેણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ બંધારણ, એકતા, રોજગાર અને ખેડૂતોની વાત કરી રહ્યા છે. જો તેઓ પીએમ બને અને આ જ વાત કરે તો તેઓ એક સારા વડાપ્રધાન સાબિત થશે.