નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને દિલ્હીની એક કોર્ટે જેલની સજા ફટકારી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજ કુમારને 2013માં થયેલા એક મામલામાં ત્રણ માસની જેલની સજા ફટકારવામાં આવી છે. જો કે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગઈ છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કોર્ટે 2013ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં બનેલા એક મતદાન કેન્દ્ર પર ચૂંટણી પ્રક્રિયાને બાધિત કરવાના દોષિત ઠેરવ્યા છે.
અહેવાલ પ્રમાણે, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે મનોજ કુમારને લોકસેવકના સાર્વજનિક કર્તવ્ય નિર્વહન કરવામાં અડચણ પહોંચાડવા અને મતદાન કેન્દ્રની નજીક અવ્યવસ્થા ફેલાવવાના મામલામાં દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે 4 જૂને પોતાના એક ચુકાદામાં મનોજ કુમારને દોષિત ઠેરવ્યા હતા. આ મામલામાં મનોજ કુમારને ત્રણ માસની સજા ફટકારવામાં આવી હતી. જો કે દશ હજાર રૂપિયાના બોન્ડ પર તેમને જેલ જવામાંથી રાહત મળી ગઈ હતી. અત્યાર સુધી આમ આદમી પાર્ટી અથવા દોષિત દોષિત ધારાસભ્ય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મહત્વપૂર્ણ છે કે મનોજ કુમારને પૂર્વ દિલ્હીની એક એમસીડી સ્કૂલમાં મતદાન દરમિયાન 50થી વધારે કાર્યકર્તાઓ સાથે પ્રદર્શન કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અદાલતનું માનવું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના આ પગલાને કારણે ત્યાં વોટિંગ કરવા આવેલા મતદાતાઓને ઘણી મુશ્કેલી પડી હતી. ઈસ્ટ દિલ્હીની કોંડલી બેઠક પરથી ધારાભ્ય મનોજ કુમારે પહેલા આ કેસને રાજનીતિથી પ્રેરીત ગણાવ્યો હતો. પરંતુ આજે આવેલા કોર્ટના ચુકાદા પર તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.