આમ આદમી પાર્ટી (આપ) અને તેની ધારાસભ્ય અલકા લાંબા વચ્ચે અણબનાવ થયો છે. અલકાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શૉમાં હિસ્સો ન લઈને પાર્ટી અને પોતાની વચ્ચેના મતભેદોને ઉજાગર કરી દીધા છે.
અલકા લાંબાએ ગુરૂવારે ટ્વિટ કરીને કહ્યું કે ચાંદનીચોક લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ ગુપ્તાએ તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શૉમાં સામેલ થવા માટે કહ્યું હતું, જેના માટે હું તૈયાર હતી. પરંતુ પછીથી સંદેશો મોકલવામાં આવ્યો કે અલકા સીએમ કેજરીવાલની ગાડી પર નહીં રહે અને તેમણે ગાડીની પાછળ ચાલવાનું રહેશે. જે તેમને મંજૂર ન હતું.
તેના કારણે તેમણે કેજરીવાલના રોડ શૉમાં હિસ્સો લઈને આપની સાથેના પોતાના મતભેદોને જગજાહેર કરી દીધા. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિનાઓથી અલકા અને આપના સંબંધોમાં અંતર વધી ગયું છે. જોકે પાર્ટીની અંદર તેના વિશે ખુલીને કોઈ કંઇ બોલતું નથી. પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી હવે તેમને પહેલા જેટલું મહત્વ નથી આપી રહી.