Site icon Revoi.in

નાગરિકશાસ્ત્ર-01: પ્રજાને નાગરિકમાં પરિવર્તિત કરવાનો પ્રામાણિક પ્રયત્ન

Social Share

– મિતેષ એમ. સોલંકી

આજની વાત આજથી શરૂ નથી થતી. આજની વાત શરૂ થાય છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાથી. સામાન્ય વાતચીતમાં આપણે ખૂબ સહજતાથી અને ખૂબ સરળતાથી એવું બોલી નાખતાં હોઈએ કે અમારો પાંચ હજાર વર્ષનો ઇતિહાસ જુવો. અમારી સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે. પણ મારે તમને પાંચ હજાર વર્ષ પાછળ નથી લઈ જવા કારણ કે મને અને તમને-બંનેને 5 મિનિટનો સમય પણ વેડફવો પોષાય એમ નથી. પણ હા મારે તમને એક નિરીક્ષણથી અવગત જરૂર કરાવવા છે અને તેના માટે આપણે ખૂબ ઝડપથી ઇ.સ.પૂ. 321ની આસપાસ જવું પડશે. ઈ.સ.પૂ. 321 એટલે ચંદ્રગુપ્ત મૌર્યનો સમય, ચાણક્યનો સમય. ભારતના માત્ર મુખ્ય અને જાણીતા વંશની વાત કરીએ તો મૌર્ય પછી શુંગ, કણ્વ, ગુપ્ત, પાંડિયન, ચેર, ચોલ, સંગમ, સાતવાહન, વાકાટક,  કુષાણ, નાગ, પલ્લવ, કદંબ, રાય, મૈત્રક, ચાલુક્ય, શશાંક, ગુર્જર પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, પાલ, પરમાર, હોયશેલ, કાકતિય જેવા મહાન વંશ ભારતમાં થઈ ગયા. આ સમય દરમિયાન બહારથી આક્રમણ થતાં રહ્યા અને દિલ્હી સલ્તનત અંતર્ગત મામલૂક, ખીલજી, તુઘલક, જૌનપુર, સૈયદ અને લોદી જેવા ગુલામ વંશ પણ આવ્યા. અને અંતે સૌથી જાણીતા મુઘલો પણ આવ્યા.

તમને સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ કે મે આ કેટલાક (આમ તો ઘણા છે) વંશનો ઉલ્લેખ લેખની શરૂઆતમાં શા માટે કર્યો? તો વાચક મિત્રો તમે જાણો છે કે આ દરેક વંશમાં રાજશાહી રાજ્ય વ્યવસ્થા હતી. ઉપરોક્ત દરેક વંશ દ્વારા સંપૂર્ણ ભારત પર આધિપત્ય જમાવવાના અગણિત પ્રયત્ન થયા. આ વંશના ઘણા રાજા, મહારાજા, બાદશાહો આજે પણ તેમના કાર્યો માટે, યુદ્ધો માટે, સિદ્ધિઓ માટે, સ્થાપત્ય માટે, પ્રજા વત્સલતા માટે જાણીતા છે. અશોક, હર્ષવર્ધન અને અકબરની રાજ્ય વ્યવસ્થાના વખાણ તો આપણે બે મોઢે કરતાં રહીએ છીએ. તો હવે પ્રાણ પ્રશ્ન કે આપણો આટલો લાંબો ઇતિહાસ જો રાજશાહીથી ભરપૂર હતો તો પછી તમે આજે આ લેખ લોકશાહીમાં કેમ વાંચી રહ્યા છો? આપણે રાજશાહીના સ્થાને લોકશાહીને શા માટે પસંદ કરી? ક્યારે કરી? કેવી રીતે કરી? આ બધા પ્રશ્નોના જવાબ તમને ધીમે ધીમે હું આવનારા નિયમિત લેખ દ્વારા આપવાનો પ્રયત્ન કરીશ. પરંતુ આજે આપણે પહેલા જોઈએ કે રાજાશાહી અને લોકશાહીના મૂળ લક્ષણો કેવા હોય છે.

સૌપ્રથમ વાત કરીએ રાજાશાહીની જ્યાં માત્ર એક જ વ્યક્તિ કેન્દ્રમાં હોય છે – રાજા. રાજાશાહી વ્યવસ્થામાં રાજા કહે તે કાયદો. અહીં રાજ્યમાં રહેતા વ્યક્તિઓ પ્રજા તરીકે અથવા રૈયત તરીકે ઓળખાય છે. યાદ રાખજો – પ્રજા કે રૈયત હંમેશા બિચારી હોય છે. ગરીબડી હોય છે. રાજ્યની પ્રજાને પસંદ હોય કે ન હોય રાજાને વફાદાર રહેવું ફરજિયાત છે. દૈનિક જીવનમાં રાજાને વફાદારીની સાબિતીઓ આપતી રહેવી પડે છે. વ્યક્તિ/પ્રજા પાસે અંગત સ્વતંત્રતા જેવુ કશું હોતું નથી, પ્રજાનું આત્મ સન્માન જળવાઈ રહે તેવું જરૂરી નથી અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવી શક્યતા ખૂબ ઓછી હોય છે. વળી, વંશ પરંપરા હોવાથી પેઢી દરપેઢી રાજા આવે તેને સ્વીકારવા પ્રજાની મજબૂરી હોય છે. રાજા પસંદ કરવાની કે બદલવાની કોઈ તક કે તાકાત પ્રજા પાસે હોતી નથી.

હવે લોકશાહીની વાત કરીએ તો અહીં રાજ્યના કેન્દ્રમાં એક કરતાં વધુ વ્યક્તિઓ કેન્દ્રમાં હોય છે – નાગરિક. લોકશાહીમાં કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ કે વર્ચસ્વ હોતું નથી. લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ મનસ્વી રીતે કાયદો બનાવી શકતો નથી. કાયદો બનાવવા માટે ચોક્કસ બહુમતી મળવી જરૂરી છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં રહેતા વ્યક્તિઓ નાગરિક તરીકે ઓળખાય છે. અહીં પણ તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પ્રજા અને નાગરિક વચ્ચે શું તફાવત? તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે નાગરિક પાસેથી તેના અધિકાર છીનવી લેવામાં આવે ત્યારે તે પ્રજા બની જાય છે. બીજા શબ્દોમાં કહું તો પ્રજાને જો અધિકાર આપી દેવામાં આવે તો તે નાગરિક બની જાય છે. લોકશાહીમાં નાગરિકે કોઈ એક સત્તાસ્થાનને વફાદાર નથી રહેવાનું પરંતુ બંધારણને વફાદાર રહેવાનું હોય છે. બંધારણ દરેક નાગરિક સાથે સમાન વર્તનની ખાતરી આપે છે જેના લીધે કોઈ એક વ્યક્તિ કે વર્ગને કોઈ વિશેષ લાભ કે સવલત મળતી નથી – સમાનતાનો ભાવ લોકશાહીમાં જળવાઈ રહે છે. લોકશાહી રાજ્યવ્યવસ્થામાં નાગરિકનું આત્મગૌરવ જળવાય છે. વ્યક્તિની અંગત સ્વતંત્રતા જળવાઈ રહે છે. વંશ પરંપરાના સ્થાને લોકશાહીમાં ચૂંટણીનું તત્વ જોવા મળે છે. નાગરિક પોતાના કિંમતી મત દ્વારા પોતાના પ્રતિનિધિને પસંદ કરવાની તક અને તાકાત બંને ધરાવે છે. ટૂંકમાં લોકશાહીમાં નાગરિકના અસ્તિત્વનું મૂલ્ય ધ્યાને લેવાય છે.

મિત્રો આ લેખમાળા શરૂ કરવા પાછળ એક માત્ર ઉદ્દેશ્ય જણાવી દઉં – પ્રજા પોતાના અધિકારોથી અવગત થાય, પોતાના મતને બેબાક રીતે રજૂ કરતાં થાય, પ્રજામાં રહેલા નાગરિકત્વ જાગૃત થાય, નાગરિક પોતાના અંગત મંતવ્યના મહત્વને સમજે અને તેવી જ રીતે અન્ય વ્યક્તિના મતને પણ ખુલ્લા મને આવકારે.