Site icon hindi.revoi.in

વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્તાને મળેલી બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ પ્રધાન  જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા જણાવ્યુ હતું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.

તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું   કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.

મુખ્યપ્રધાને જાહેર કરેલા રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.

Exit mobile version