ભોપાલઃ મધ્યપ્રદેશના રતલામમાં 3 વ્યક્તિઓની હત્યા કરનારા કુખ્યાત ગુનેગાર દિલીપ દેવળે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. દિલીપ દેવળે અગાઉ દાહોદમાં બે હત્યાના કેસમાં જેલમાં બંધ હતો. જેમાંથી પેરોલ જમ્પ કરીને બે વર્ષથી ફરાર થયેલા દિલીપે દેવદિવાળીના દિવસે જ એક પરિવારના 3 વ્યક્તિઓની હત્યા કરીને લૂંટ ચલાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવદિવાળીના દિવસે દિલીપ દેવળ અને તેના સાગરિતોએ ત્રણ વ્યક્તિઓની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. આ બનાવની પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. તેમજ દિલીપ અને તેના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. બીજી તરફ દિલીપ અને તેના સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
દરમિયાન રતલામની ખાચરોદ ચોકડી ફોર લેન હાઇવે પર હોમગાર્ડ કોલોની નજીકથી દિલીપ પસાર થવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોતા જ દિલીપે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને સામે પોલીસે ફાયરિંગ કરતાં દિલીપ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. દિલીપની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ નજીક ખરેડી ગામના કુખ્યાત દિલીપે મધ્યપ્રદેશની દાહોદમાં બે હત્યા કરી હતી. જે કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતો હતો. દરમિયાન આરોપી પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ તે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો.